ગેઈમઝોન બનાવી તો જૂઓ: કોંગ્રેસ શરૂ કરશે આંદોલન
કેકેવી બ્રિજ નીચે ગેઈમ ઝોનનો પ્રોજેક્ટ રદ્દ કરાવવા ધરણા, ઘંટારવ સહિતના કાર્યક્રમો અપાશે
મહાપાલિકા દ્વારા કેકેવી બ્રિજ નીચે બોક્સ ક્રિકેટ, પીકલ બોલ, સ્કેટિંગ રિન્ક સહિતની રમતો રમી શકાય તે માટે ગેઈમ ઝોન બનાવવામાં આવી રહ્યો છે જેના વિરોધમાં સ્થાનિકો ઉપરાંત કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. જો કે વિરોધની તંત્ર ઉપર કોઈ જ અસર થઈ રહી ન હોવાથી આજથી આંદોલનના મંડાણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું કે ગેઈમ ઝોન પ્રોજેક્ટ રદ્દ કરવા મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યા બાદ કોઈ જ પ્રકારનો જવાબ આપવામાં ન આવતાં આજથી આંદોલન શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં જ્યાં આ ગેઈમ ઝોન બનવાનો છે તેની આજુબાજુમાં રહેતાં રહેવાસીઓ અને વેપારીઓ તેમજ આ રસ્તા પરથી અવર-જવર કરતા શહેરીજનો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવશે. અભિપ્રાય મેળવ્યા બાદ ગેઈમ ઝોનનો પ્રોજેક્ટ રદ્દ કરાવવા ધરણા, ઘંટારવ સહિતના કાર્યક્રમો આપવામાં આવશે.
એકંદરે રાજકોટમાં બીજો ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ ન સર્જાય તે માટે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવાનું એલાન કરાયું છે. આજે સવારે ૧૦:૧૫ વાગ્યે કાલાવડ રોડ પર પરિમલ સ્કૂલના ગેઈટ પાસે ઉભા રહીને લોકોના અભિપ્રાય લેવામાં આવશે.