રવિન્દ્ર જાડેજા સામે દિલ્હીનું સરન્ડર : સૌરાષ્ટ્ર ૧૯ બોલમાં જ કચડી નાખ્યું
મેચમાં જડ્ડુની ૧૨ વિકેટ: દોઢ દિવસમાં જ મેચ પૂરી: પંત સહિતના દિલ્હી ટીમના બેટરો નિષ્ફળ
રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફીની મેચમાં દિલ્હીએ આપેલો ૧૫ રનનો લક્ષ્યાંક માત્ર ૩.૧ ઓવરમાં જ કર્યો હાંસલ
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર રમાયેલી સૌરાષ્ટ્ર-દિલ્હી વચ્ચેની રણજી ટ્રોફી મેચમાં રવિન્દ્ર જાડેજા એકલો દિલ્હીની ટીમ ઉપર ભારે પડ્યો હોય તે રીતે દોઢ જ દિવસમાં દિલ્હીએ સરન્ડર કરી દેતાં સૌરાષ્ટ્રનો ૧૦ વિકેટે શાનદાર વિજય થયો હતો. આ મેચ જીતવા માટે સૌરાષ્ટ્રને ૧૨ રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે તેણે માત્ર ૩.૧ ઓવર મતલબ કે ૧૯ બોલમાં જ હાંસલ કરી જીત મેળવી લીધી હતી. આ મેચમાં રવિન્દ્રએ પહેલી ઈનિંગમાં પાંચ અને બીજી ઈનિંગમાં ઋષભ પંત સહિતની કુલ સાત વિકેટ મળી કુલ ૧૨ વિકેટ મેળવી હતી.
દિલ્હીએ પહેલાં બેટિંગ કરતાં ૪૯.૪ ઓવરમાં ૧૦ વિકેટે ૧૮૮ રન બનાવ્યા હતા. દિલ્હી વતી કેપ્ટન આયુષ બદોનીએ સૌથી વધુ ૬૦ રનની ઈનિંગ રમી હતી જ્યારે લાંબા સમય બાદ રણજી ટ્રોફી રમનારો ઋષભ પંત એક રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ આ ઈનિંગમાં પાંચ વિકેટ મેળવી હતી.
આ પછી સૌરાષ્ટે્ર પ્રથમ ઈનિંગમાં ૭૨.૨ ઓવરમાં ૨૭૧ રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર વતી ઓપનર હાર્વિક દેસાઈએ ૯૩, અર્પિત વસાવડાએ ૬૨ અને રવિન્દ્ર જાડેજાએ ૩૮ રન બનાવ્યા હતા.
બીજી ઈનિંગમાં દિલ્હી પાસે મોટી ઈનિંગની આશા હતી પરંતુ એવું બન્યું ન્હોતું અને તે ૯૪ રને જ આઉટ થઈ ગયું હતું જેના કારણે સૌરાષ્ટ્રને જીત માટે માત્ર ૧૧ રનનો જ લક્ષ્યાંક મળ્યો હતો. આ ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ ૩૮ રન આપીને ૭ વિકેટ ખેડવી હતી.
૧૨ વિકેટ મેળવ્યા બાદ જાડેજા બનાવ્યા અનેક રેકોર્ડ
- બન્ને ઈનિંગમાં પાંચ વિકેટ મેળવી
- ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૫૫૦ વિકેટ પૂરી
- રણજી ટ્રોફીમાં ૨૦૦ વિકેટ પૂરી
- સૌરાષ્ટ્ર માટે ૨૦૦ વિકેટ પૂરી
- ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૩૬મી વખત પાંચ વિકેટ ખેડવી
- રણજીમાં સળંગ ત્રણ વખત પાંચ વિકેટ મેળવી