મધ્યપ્રદેશ: ભિખારીને ભિક્ષા આપવા બદલ ઇન્દોરમાં FIR નોંધાઈ, દોષિત ઠરવા પર વ્યક્તિને થઈ શકે છે જેલ
મધ્યપ્રદેશમાં આ પહેલી વાર બન્યું છે કે ઇન્દોરમાં ભિક્ષા આપનારા અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. જો તે વ્યક્તિ દોષિત સાબિત થાય છે, તો તેને એક વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. વધુમાં, 5,000 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવી શકે છે. એફઆઈઆર બાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે.
ભારતના સૌથી સ્વચ્છ શહેરમાં ભિખારીને ભિક્ષા આપવા બદલ ઇન્દોર પોલીસે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. મધ્યપ્રદેશમાં આ કદાચ આ પ્રકારનો પહેલો કિસ્સો છે.ખંડવા રોડ પર મંદિરની સામે બેઠેલી એક મહિલા ભિખારીને ભિક્ષા આપવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 223 હેઠળ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ભંવરકુઆન પોલીસ સ્ટેશને ભીખારી નાબૂદી ટુકડીના અધિકારીની ફરિયાદ પર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. BNS કલમ 223 હેઠળ, દોષિતને એક વર્ષ સુધીની કેદ અથવા 5,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇન્દોરને દેશનું પ્રથમ ભિખારી મુક્ત શહેર બનાવવાના ઉદ્દેશ્યથી વહીવટીતંત્રે ભિખારીઓ પાસેથી ભિક્ષા લેવા, તેમને ભિક્ષા આપવા અને તેમની પાસેથી કોઈપણ વસ્તુ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે કહ્યું કે આ પ્રતિબંધના ઉલ્લંઘનના કિસ્સામાં FIR નોંધવાની જોગવાઈ કરવામાં આવી છે.
જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રે ભિખારીઓ વિશે માહિતી આપનારાઓને 1,000 રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી છે અને અત્યાર સુધીમાં ઘણા લોકોને માહિતી આપવા બદલ આ રકમ મળી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે દેશભરના 10 શહેરોને ભિખારી મુક્ત બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં ઇન્દોરનો પણ સમાવેશ થાય છે.