મહાકુંભ જવા માંગતા શ્રધ્ધાળુઓ માટે સારા સમાચાર :ગુજરાત ST મહાકુંભ માટે ખાસ વોલ્વો બસ દોડાવશે, જાણો પેકેજનું ભાડું
ગુજરાતથી મહાકુંભ જવા માંગતા શ્રધ્ધાળુઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ST કુંભ માટે ખાસ વોલ્વો બસ દોડાવાશે. પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી માટે વાહનવ્યવહાર વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. દરરોજ ગુજરાતથી શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે. 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી પહેલી બસને લીલીઝંડી આપશે. માત્ર 8100 રૂપિયામાં ત્રણ રાત્રી અને ચાર દિવસ માટે પેકેજ. પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓ એક રાત્રી રોકાણ કરી શકશે, વ્યવસ્થા તબક્કાવાર વધતાં બસની સંખ્યા વધારવામાં આવશે.
શ્રદ્ધાળુઓ સરળતાથી અને ઓછી કિંમતે મુસાફરી કરી શકે એ માટે, તમામ વિભાગો એ સાથે મળીને સુવિધાઓમાં ઉમેરો કરાયો છે. આ ટૂર પેકેજ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં શિવપુરી ખાતે રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે તેવું સરકાર દ્વારા જણાવાયું છે.
8100 રૂપિયામાં આસ્થાની યાત્રાનું આયોજન
8100 રૂપિયામાં આસ્થાની યાત્રાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જે લોકો આ યાત્રામાં જોડાવવા માંગે છે તેમણે ઓનલાઇન માહિતી મેળવી , ધ્યાન રાખીને ટીકીટ બુક કરવાની રહેશે, આ યાત્રામાં મુસાફરી અને રહેવાની વ્યવસ્થા હશે જેમાં જમવાની વ્યવસ્થા મુસાફરે જાતે કરવાની રહેશે. હાલ પૂરતી બસ વ્યવસ્થા અમદાવાદ પૂરતી રહેશે. રાજ્ય સરકારે ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન કર્યું છે, આ ઉપરાંત જેમ જેમ યાત્રાળુઓ વધશે તેમ વધુ બસો મુકવામાં આવશે.