વડોદરાની ત્રણ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ : બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ
વડોદરાની ત્રણ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. આ બાબતે પ્રિન્સિપાલને વહેલી સવારે 3.49 વાગ્યે ઇ-મેલ મળતાં સ્કૂલના સત્તાધીશો અને પોલીસને જાણ કરી હતી. નવરચનાની વડોદરા શહેરમાં ત્રણ સ્કૂલ આવેલી છે, જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલને ધમકીભર્યો ઇ-મેઈલ મળ્યો હતો. ત્યારે આ મામલે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે તેમજ વિદ્યાર્થીઓને પણ રજા આપી દેવામાં આવી છે.
કઈ કઈ સ્કૂલને ધમકીઓ મળી?
તાજેતરની માહિતી અનુસાર, વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી એક અને સમા વિસ્તારમાં આવેલી બે સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોવાના અહેવાલ છે. બોમ્બની ધમકીની સૂચના મળતાં બોમ્બ સ્કવૉડ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી.
જોકે હાલમાં પણ તપાસ ચાલી રહી છે અને બોમ્બની ધમકી વચ્ચે બાળકોને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. જે જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરચના યુનિવર્સિટી, સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયનો સમાવેશ થાય છે.
બોમ્બ સ્કવોર્ડની ટીમ સ્કૂલ ખાતે તપાસ શરૂ કરી
આ સમગ્ર બાબતની જાણ વડોદરા પોલીસને થતા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્કૂલ ખાતે પહોંચ્યો હતો. તેમજ બોમ્બ સ્કવોર્ડની ટીમ તેમજ ડોગ સ્કોર્ડની ટીમ સાથે પોલીસ દ્વારા સમગ્ર સ્કૂલમાં તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. તેમજ સ્કૂલમાં ઉભી રહેલ બસોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવરચનાની ત્રણેય સ્કૂલમાં પોલીસ અને બોમ્બ સ્કવોર્ડની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.