દુકાનેથી એસિડ ખરીદી સ્ટીલની બરણીમાં ભરી પરિણીતા પર ફેક્યું
રાજકોટના ભાગોળે સોખડા ગામની ઘટના : મહિલાએ તેની પિતરાઇ બહેનની સગાઈ હુલાખોર સાથે કરાવી હતી પરંતુ બહેને અન્ય યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા’તા : તેનું સરનામું જાણવા છતા કહેતા નથી તેવો વ્હેમ રાખી હુમલો કર્યો : કુવાડવા પોલીસે ધરપકડ કરી
રાજકોટમાં એસિડ એટેકની ઘટના બની છે. શહેરની ભાગોળે આવેલા સોખડા ગામમાં રહેતી પરિણીતા પર સોખડા ગામમાં જ શખસે એસિડ ફેંકતા મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસે તાકીદે તપાસ કરી એસિડ એટેક કરનાર શખસની ધરપકડ કરી હતી.ત્યારે આરોપીએ કબૂલાત આપી હતી કે,પરણિતાએ તેનું તેણીની પિતરાઈ બહેન સાથે સગપણ કરાવ્યું હોય દરમિયાન આરોપીની મંગેતરે પ્રેમ લગ્ન કરી ચાલી જતા આ બાબતનો ખાર રાખી રાજકોટમાં દુકાનેથી એસિડ ખરીદી તેને સ્ટીલની બરણીમાં ભરી પરિણીતા પર ફેક્યું હતું.
વિગતો મુજબ કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામમાં રહેતા વર્ષાબેન માધાભાઈ બોરીયા(ઉ.વ ૩૪) નામની પરિણીતા સાંજના સોખડા ગામમાં જ રહેતા પ્રકાશ પ્રવીણભાઈ સરવૈયા નામના શખસે અહીં પરિણીતાના ઘરે એસિડ ભરેલી સ્ટીલની બરણી સાથે ધસી આવ્યો હતો અને બાદમાં તેણે પરિણીતા પર એસિડ ફેંકતા પરિણીતાના ચહેરાના ભાગે તથા શરીરના અન્ય ભાગે એસિડ ઉડતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી.જેથી તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં જ કુવાડવા પોલીસ મથકના પીઆઈ બી.પી.રજીયા સ્ટાફ સાથે તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા.અને આ મામલે પૂછતાછ કરતાં જાણવા મળ્યું હતું કે,વર્ષાબેનની કાકાની દિકરી પારસબેનની સગાઈ આરોપી પ્રકાશ સાથે કરાવી હોય જે સગાઈ કરાવવામાં વર્ષાબેન મધ્યસ્થી રહ્યા હોય દરમિયાન પારસ અન્ય યુવક સાથે પ્રેમ લગ્ન કરી જતી રહી હતી.હાલ તે કયાં છે અને તેનું સરનામું જાણવા છતાં કહેતા ન હોવાની શંકા રાખી આરોપીએ તેની સાથે બોલાચાલી કરી એસિડ એટેક કર્યો હતો.
આ ઘટનાને લઇ કુવાડવા રોડ પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી પ્રકાશ સામેગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.વધુમાં જાણવા મળ્યું હતું કે,પ્રકાશની એક વર્ષ પૂર્વે સગાઇ થઇ હતી. જે સગપણ તેની પિતરાઈ બહેન વર્ષાએ કરાવ્યું હતું.બાદમાં પારસે પ્રેમલગ્ન કરી લેતા આરોપી પરિણીતા ઘરે આવી આ પારસ વિશે પુછતાછ કરતાં વર્ષા તેને સમજાવ્યો હતો કે, હવે તેના લગ્ન થઈ ગયા છે.હવે તું એને ભુલી જા તેમ છતા આરોપી ઘરે આવતો હતો.જેથી આ બાબતનો ખાર રાખીને તેને રાજકોટમાં એક દુકાન પરથી એસિડ ખરીદી તેને સ્ટીલની બરણીમાં ભરી પરિણીતા પર એસિડ એટેક કર્યો હતો.જોકે દુકાનો પર એસિડ વેચવું પણ એક ગુનો છે છતાં રાજકોટમાં બેફામ એસિડનું વેચાણ થઈ રહ્યું છે.તો બીજી બાજુ પરિણીતાની હાલત ગંભીર હોવાનું પણ તબીબો જણાવ્યું હતું.