લોસ એન્જેલસમાં ફરી ભિષણ આગ ભભૂકી : 8 હજાર એકરથી વધુ જંગલ બળીને ખાક, 31000 લોકોનું ફરજિયાત સ્થળાંતર
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની લોસ એન્જેલનસ કાઉન્ટીની માઠી દશા બેઠી છે. હજુ પખવાડિયા પહેલાભભૂકી ઉઠેલી છ અલગ અલગ આગમાં 28 લોકોના મૃત્યુ થયા અને હોલીવુડના સિતારાઓ સહિત અનેક લોકોના મકાનો ખાક થઈ ગયા તે ઘટનાની શાહી સુકાઇ નથી અને એ પૈકીની પેરેડાઉઝ આગ હજુ પણ પૂર્ણ પણે કાબુમાં નથી લઈ શકાઇ ત્યાં નવેસરથી વધુ એક આગ ફાટી નીકળતા ભારે કટોકટી સર્જાઇ છે.આગ એટલી ભીષણ છે કે 31 હજાર લોકોને ફરજિયાતપણે તેમના ઘર અને વિસ્તારમાંથી નીકળી જવાનો આદેશ કરવામાં આવ્યો છે અને અન્ય 23,000 લોકોને ગમે તે ઘડીએ સ્થળાંતર માટે તૈયાર રહેવાની ચેતવણી અપાઇ છે.
ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર બુધવારે સવારે 11.30 વાગ્યાના અરસામાં નોર્થ લોસ એન્જેલસ કાઉન્ટિના ડુંગરાઓની તળેટીમાં વસેલા કાસ્ટીક નામના ગામમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ આગને હ્યુજીસ ફાયર તરીકે ઓળખવામાં આવે છે.સૂકા ખળ ધરાવતી આ ડુંગરમાળામાં લાગેલી આગ ગણતરીની મિનિટોમાં જ 10000 એકર વિસ્તારમાં પ્રસરી ગઈ હતી અને ભયંકર ખાના ખરાબી સર્જી હતી. ઉપરથી તેજ ગતિથી ફૂંકતી હવાને કારણે આગ ઠારવાની પ્રક્રિયામાં વિઘ્નો સર્જાયા હતા. આ આગની જ્વાળાઓ દક્ષિણ લોસ એન્જેલસ તરફ ગતિ કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું. કેટલાક વાહનો પણ બળીને ખાક થઈ ગયા હતા.
કાઉન્ટી શરીફના જણાવ્યા મુજબ આગને કાબુમાં લેવા માટે 4,000 ફાયર ફાઇટરોને કામે લગાવવામાં આવ્યા છે. કાવાસકી ગામની નજીક આવેલી જેલમાંથી 470 કેદીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાના પ્રારંભે
લોસ એન્જેલસમાં લાગેલી આગે અભૂતપૂર્વ વિનાશ વેર્યો હતો. અત્યાર સુધીમાં એ દુર્ઘટનામાં 28 લોકોના મોત થઈ ચૂક્યા છે.એ આગમાં 40000 એકર જમીન
ઉપર વિનાશ સર્જાયો હતો.