કોલકાતા દુષ્કર્મ અને હત્યાના કેસમાં CBI અને બંગાળ સરકાર સામસામે
કોલકત્તામાં આરજી કર મેડિકલ કોલેજના મહિલા તબીબ પર દુષ્કર્મ કરી હત્યા કરવાના ગુનામાં દોષિત ઠરેલા સંજય રોયને આપવામાં આવેલી આજીવન કેદની સજાના ચુકાદાને પડકારી મૃત્યુ દંડની માગણી કરતી પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારની અરજીનો સીબીઆઇએ વિરોધ કર્યો હતો.

મંગળવારે સીબીઆઇએ સરકારની એ અરજી ફગાવી દેવા હાઇકોર્ટને અરજી કરી હતી. સીબીઆઇના વકીલે જણાવ્યું કે અપૂર્તતાના આધારે માત્ર કેસની તપાસ કરનાર એજન્સીને જ ચુકાદો પડકારવાનો અધિકાર છે. આ કેસની તપાસ સીબીઆઇ એ કરી હોવાથી રાજ્ય સરકાર એ ચુકાદાને પડકારી ન શકે તેવી દલીલ સીબીઆઇના વકીલે કરી હતી.જો કે રાજ્ય સરકારના એડવોકેટ જનરલે વળતી દલીલ કરતાં જણાવ્યું કે આ કેસની મૂળ ફરિયાદ કોલકત્તા પોલીસે નોંધી હતી અને કાયદો વ્યવસ્થાનું ક્ષેત્ર રાજ્ય સરકારના અધિકાર હેઠળ આવતું હોવાથી આ ચુકાદાને પડકારવાનો રાજ્ય સરકારને અધિકાર છે.
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે તે રાજ્ય સરકારની અપીલ સ્વીકારવી કે કેમ તે અંગે નિર્ણય લેતા પહેલા સીબીઆઈ, પીડિતાના પરિવાર અને સંજય રોયની રજૂઆતો પર વિચાર કરશે. કેસની વધુ સુનાવણી 27 જાન્યુઆરીના રોજ થશે.
નોંધનીય છે કે દુષ્કર્મ અને હત્યાની ઘટના બન્યા બાદ રાજ્ય સરકાર યોગ્ય તપાસ ન કરતી હોવાના અને ગુનેગારોને છાવરતા હોવાના આક્ષેપો થયા બાદ તપાસ સીબીઆઇ ને સોંપવામાં આવી હતી. જોકે કોલકાતા પોલીસે તે પહેલા જ સંજય રોયની ધરપકડ કરી લીધી હતી. સીબીઆઇની તપાસમાં પણ વધુ કાંઈ ખુલ્યું નહોતું. અદાલતે સંજય રોયને મૃત્યુદંડ ને બદલે આજીવન કેદની સજા ફટકાર્યા બાદ સીબીઆઇની કાર્યવાહી સામે પણ લોકોએ સવાલો ઉઠાવ્યા હતા.
વેસ્ટ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તપાસ જો કોલકાતા પોલીસ પાસે હોત તો દોષિતને ફાંસીની પાસેની સજા થઈ હોત તેવો દાવો કર્યો હતો અને બાદમાં આ ચુકાદાને પડકારથી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી દીધી હતી.