કૂવાડવા-સરધાર હાઈ-વે ફોર-લેન બનશે
અમદાવાદથી ભાવનગર જવા માંગતાં લોકોએ રાજકોટ સુધી લાંબું થવું નહીં પડે
સિંગલ પટ્ટી રસ્તો હોવાને કારણે અકસ્માત તેમજ ટ્રાફિક જામથી ચાલકો ત્રાહિમામ
પરાપીપળીયા ટીપી સ્કીમની હદમાં સુધારો કરાશે: રૂડા' વિસ્તારમાં મોબાઈલ ટાવર-હોર્ડિંગ્સ બોકના ભાવ મંજૂર
રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વસતી અને વાહન એમ બન્નેમાં વધારો થઈ રહ્યો છે જેના પરિણામે રસ્તાઓ સાંકડા પડવા લાગ્યા છે. વાહનો વધુ અને રસ્તા નાના હોવાથી વારંવાર અકસ્માત તેમજ ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ રહી હોય તંત્ર દ્વારા રસ્તાઓ પહોળા કરવા માટેનું આયોજન હાથ ધરાઈ રહ્યું છે. આવો જ એક રસ્તો કે જે સિંગલ પટ્ટી હોવાને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા હોય તેને ફોર-લેન મતલબ કે ચાર માર્ગીય બનાવવાની દિશામાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ની ૧૭૫મી બોર્ડ બેઠકમાં
રૂડા’ હસ્તકના કૂવાડવા ગામે (અમદાવાદ નેશનલ હાઈ-વે)થી કૂવાડવા-સરધાર હાઈ-વે (ભાવનગર સ્ટેટ હાઈ-વે)ને જોડતાં ૩૦ મીટર ડીપી રસ્તાના બાંધકામને મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરી મળી જતાં હવે રસ્તો ૧૦૦ ફૂટનો બનાવવા માટે તજવીજ શરૂ કરાશે. સૌથી પહેલાં રોડ પહોળો કરવા માટે ક્નસલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે સાથે સાથે કપાતમાં જતી જમીનના માલિકો સાથે પણ તંત્ર દ્વારા વાટાઘાટ કરાશે.
આ ઉપરાંત બોર્ડ બેઠકમાં અન્ય મહત્ત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા જેમાં રૂડા' વિસ્તારમાં સુચિત કરાયેલી નગર યોજના (ટાઉન પ્લાનિંગ સ્કીમ) નં.૭૬ની નક્કી થયેલી હદમાં સુધારો સમાવિષ્ટ છે. એકંદરે જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમનો ઈરાદો જાહેર થયો ત્યારે પરાપીપળીયા અને ઘંટેશ્વર સાથે હતું પરંતુ હવે ઘંટેશ્વર રાજકોટ મહાપાલિકામાં ભળી જતાં હદમાં સુધારો કરવો જરૂરી હોય તેને બોર્ડ બેઠકમાં મંજૂરી અપાઈ હતી. એકંદરે બે ટીપી સ્કીમ જેમાં ૭૬/૧ (પરાપીપળીયા) કે જેનું ક્ષેત્રફળ ૯૧.૫૦ હેક્ટર અને ૭૬/૨ (પરાપીપળીયા) કે જેનું ક્ષેત્રફળ ૧૦૦.૬૭ હેક્ટર છે તેની હદ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે આગામી સમયમાં રૂડા વિસ્તારમાં ભવિષ્યની ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવા માટે ટીપી-ડીપી સેલ-સર્વે યુનિટમાં હંગામી ધોરણે આઉટસોર્સ સ્ટાફની નિમણૂક કરવાની દરખાસ્ત પણ મંજૂર કરાઈ હતી તો રૂડા વિસ્તારમાં હોર્ડિંગ્સ બોર્ડ અને મોબાઈલ ટાવરની નીતિન અમલમાં હોય જેના ભાવ મંજૂર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં
રૂડા’ ચેરમેન-મ્યુ.કમિશનર તુષાર સુમેરા, રિજિયોનલ કમિશનર ઑફ મ્યુનિસિપાલિટી મહેશ જાની, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, મહાપાલિકાના સિટી ઈજનેર કે.કે.મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.