KKV ચોકમાં પોમોસ પીત્ઝા’માંથી વાસી પાસ્તા-નૂડલ્સનો મળ્યો ઢગલો
વગડ ચોકડી પાસે રજની ઢોસાએ વાસી મંચુરિયન-ભાજી સંગ્રહીને રાખ્યા'તા: કોટેચા ચોકમાં
મીત રેસ્ટોરન્ટ’માં મળી ગંદકી
અત્યારે દર ત્રીજો રાજકોટીયન્સ પીત્ઝાનો શોખીન હશે અને તે આ વાનગી ખાવા માટે હંમેશા તત્પર રહેતો હોવાથી શહેરના લગભગ દરેક વિસ્તારમાં પીત્ઝા પાર્લર ધમધમી રહ્યા છે. બીજી બાજુ ધંધાર્થીઓ દ્વારા ભેળસેળયુક્ત વાનગી ધાબડવામાં આવી રહી હોય લોકો બીમાર પડ્યા વગર રહેતાં નથી. આવું જ એક કારસ્તાન શહેરના સૌથી પોશ વિસ્તાર એવા કેકેવી ચોકમાં આવેલા `પોમોસ પીત્ઝા’ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ખાણીપીણીની મોજ કરવા માટે જાય છે ત્યાંથી મોટાપાયે વાસી વાનગીઓનો ઢગલો મળી આવતાં નોટિસ ફટકારવામાં આવી હતી.
મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા પોમોસ પીત્ઝા (એસ.એન.ફૂડસ)ને ત્યાં તપાસ કરતાં ૧૪ કિલો વાસી મંચુરિયન, નૂડલ્સ, પાસ્તા તેમજ સોસ મળી આવતાં સ્થળ પર જ તેનો નાશ કરાયો હતો. આ ઉપરાંત વગડ ચોકડી, મવડી-પાળ રોડ પર રજની ઢોસામાં દરોડો પાડતાં ત્યાંથી સાત કિલો વાસી મંચુરિયન અને ભાજીનો જથ્થો પકડાયો હતો. કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં મીત રેસ્ટોરન્ટમાં ગંદકી જણાતાં તેને ચોખ્ખાઈ જાળવવા માટેની નોટિસ અપાઈ હતી.
ફૂડ શાખાએ સરદારનગર શેરી નં.૧માં મોહિની સીઝન સ્ટોર્સમાંથી સીંગ ગોળ અને તલ ગોળ ચીકી, જાગનાથ પ્લોટમાં ચાંદની સીઝન્સમાંથી દાળિયા ગોળ અને કાળા તલની ચીકીનો નમૂનો લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.