રાજકોટ એરપોર્ટ ઉપર મારામારીની ઘટના : હાઇકોર્ટે પોલીસની કરી ટીકા
-ગુનાઓમાં ગંભીરતા ઉમેરવા માટે એટ્રોસિટી એક્ટ ઉમેરવામાં આવતી હોવાનું અવલોકન
-કેબ ડ્રાઈવરે કરેલી અરજીની સુનાવણી વખતે હાઇકોર્ટની ટિપ્પણી,ધરપકડ સામે સ્ટે
થોડા સમય પહેલા રાજકોટ એરપોર્ટ ઉપર બનેલી મારામારીની ઘટનામાં પોલીસે દાખલ કરેલી એટ્રોસિટીની ફરિયાદ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે પોલીસની ટીકા કરી છે અને કહ્યું છે કે, આ પ્રકારના ગુનામાં ગંભીરતા ઉમેરવા માટે એટ્રોસિટીની કલમ ઉમેરવામાં આવે છે. કોર્ટે પોલીસને એટ્રોસિટી સંદર્ભે કોઈ પગલાં લેવાની મનાઈ પણ કરી છે..જો કે, પોલીસ તપાસ અને પૂછપરછ ચાલુ રાખી શકે છે.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમનો ઉપયોગ ગુનાઓમાં “ગંભીરતા ઉમેરવા” માટે કરવામાં આવ્યો છે, જ્યારે તેમાં જાતિગત અપમાન અથવા દુર્વ્યવહારના કોઈ ઉચ્ચારણ સામેલ નથી,
ન્યાયાધીશ સંદીપ ભટ્ટે જણાવ્યું હતું કે, “આ કોર્ટે વારંવાર અવલોકન કર્યું છે કે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે ઝગડો થાય ત્યારે કોઈ પણ વ્યક્તિની જાતિ વિશે કોઈ ચોક્કસ શબ્દનો ઉપયોગ ન થયો હોય તો પણ પોલીસ અધિકારીઓ ગુનામાં ગંભીરતા લાવવા માટે કાયદાની જોગવાઈઓનો ઉપયોગ કરીને એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદો નોંધે છે.
રાજકોટ એરપોર્ટ ઉપર કેબ ડ્રાઈવર માત્ર સુસરા અને અન્ય ડ્રાઈવર વચ્ચે પેસેન્જર ભરવા બાબતે માથાકૂટ થઇ હતી અને ત્યાર બાદ માત્ર સુસરા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. બીજો ડ્રાઈવર અનુસૂચિત જાતિનો હોવાથી, માત્ર સુસરા ઉપર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની જોગવાઈઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ પછી માત્ર સુસરાએ તેની સામેના આરોપોને રદ કરવા માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમના વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને દલીલ કરી હતી કે ગુનાને વધુ ગંભીર અને બિનજામીનપાત્ર બનાવવા માટે અત્યાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા, અને આ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ સમાન છે, કારણ કે આ ઘટનામાં કોઈ જાતિ પ્રોફાઇલિંગ સામેલ નથી.
હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ફરિયાદીને નોટિસ જારી કરીને 4 માર્ચ સુધીમાં તેમના જવાબો માંગ્યા છે.