રાજકોટ : ઇડીની 18 કલાકની પૂછતાછમાં સાગઠિયાને કડકડતી ઠંડીમાં પરસેવો છૂટી ગયો
ઈડીના ડાયરેક્ટર પ્રમોદ કુમાર સહિતની ટીમે સસ્પેન્ડ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જેલના વેઇટિંગ રૂમના બંધબારણે બે દિવસ સુધી પૂછતાછ કરી : અનેક મોટા માથા સુધી રેલો પહોંચવાની શક્યતા
રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા ટીઆરપી ગેઇમઝોન અગ્નિકાંડમાં જેલમાં રહેલા મનપાના સસ્પેન્ડ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી મળી આવેલી 60 ગણી બેનામી સંપતિ મામલે ઇડીએ કોર્ટમાંથી પરવાનગી લઇ તપાસ શરૂ કરી હતી.અને જેલમાં જઈ ઇડીના ડાયરેક્ટર પ્રમોદકુમાર બિરલા તેમજ તેમના બે આસિસ્ટન્ટ એમ કુલ ત્રણ અધિકારીઓએ મનસુખ સાગઠિયાની 18 કલાક સુધી પૂછતાછ કરી હતી.જેથી આ પૂછતાછમાં અનેક નાના-મોટા માથાઓને રેલો આવે તેવું જાણવા મળી રહ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે, કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેઇમઝોન અગ્નિકાંડમાં 27 વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં અને પોલીસે ગેઇમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ અંગેની તપાસમાં સૂત્રધાર તરીકે મનપાના ટીપીઓ મનસુખ સાગઠિયા હોવાનું ખૂલ્યું હતું અને પોલીસે મનસુખ સાગઠિયા, ફાયર ઓફિસર ભીખા ઠેબા સહિત 15 શખસની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.તેમજ પૂર્વ ટીપીઓ મનસખુ સાગઠિયા સામે એસીબીએ તપાસ હાથ ધરી હતી.જેમાં મનસુખ ધનાભાઈ સાગઠિયાએ ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે આવક કરતા વધુ નાણાં મેળવી મિલકતોમાં રોકાણ કર્યું હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું હતું. એસીબીની તપાસ દરમિયાન સાગઠિયાની કાયદેસરની કુલ આવક રૂ.3,86,85,647ની સામે પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રૂપિયા 28,17,93,981નું સ્થાવર/જંગમ મિલકતમાં રોકાણ ખર્ચ કરી હોવાનું સામે આવ્યું હતું. સાગઠિયાએ પોતાની આવક કરતા 628.42 ટકા વધુ એટલે કે કુલ રૂ.24,31,08,334ની અપ્રમાણસર મિલકતોમાં પોતાની ફરજ દરમિયાન રોકાણ કરી હોવાનું સામે આવ્યું હતું.અને બાદમાં ટાંચમાં લેવામાં આવી હતી.
ત્યાર બાદ આ મામલે ઇડીએ પણ તપાસ માટે કોર્ટની મંજુરી માગી હતી જે બાબતે કોર્ટે મંજુરી આપતા ઇડીના ઇડીના ડાયરેક્ટર પ્રમોદકુમાર બિરલા તેમજ તેમના બે આસિસ્ટન્ટ દ્વારા મનસુખ સાગઠિયાની તા.15-1અને તા.16-1ના સવારે 10 વાગ્યાથી લઇ સાંજના 7 વાગ્યા સુધી પૂછતાછ કરી હતી.તેમ ઇડી દ્વારા તેની કુલ 18 કલાક સુધી સઘન પૂછતાછ કરવામાં આવી હતી.જો કે વચ્ચે એક કલાક તેને જમવાનો સમય પણ આપવામાં આવ્યો હતો.તે સિવાય સતત સવાલોનો મારો ચલાવવામાં આવ્યો હતો.સાગઠીયાએ વસાવેલી બેનામી મિલ્કતો, પોતાના કાર્યકાળમાં કરેલા ગોટાળાની વિસ્તૃત માહિતી,રાજકીય માથાઓ સાથેના સબંધો સહીતની અનેક પ્રશ્નો ઈડીએ પૂછપરછ શરૂ કરતા સાગઠીયાને પરસેવો આવી ગયો હતો.
જ્યારે સાગઠીયાની પૂછપરછ માટે આવેલી ઇડીની ટીમે ઈન્ટ્રોગેશન માટે વેઇટિંગ રૂમ પસંદ કર્યો હતો.નાયબ જેલ અધિક્ષકની કચેરીની બાજુમાં આવેલ મુલાકાતીઓનો વેઇટિંગ રૂમના બંધબારણે થયેલી તપાસથી કડકડતી ઠંડીમાં વહીવટદારોથી માંડી અનેક રાજકારણીઓને પણ પરસેવો વળી ગયો છે અને અનેકની ઉંઘ હરામ થઇ ગઈ છે.