અમરેલી લેટરકાંડની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપાઈ : સુરતમાં ધરણાં કરે તે પહેલા જ પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતની અટકાયત
અમરેલીના લેટરકાંડનો મામલો હવે સુરત સુધી પહોંચ્યો છે. રાજકીય અને સામાજિક આંદોલનના કેન્દ્રમાં રહેલા માનગઢ ચોકમાં પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજ્યભરમાં ચકચાર જગાવનારા આ લેટરકાંડની તપાસ હવે SMCને સોંપવામાં આવી છે. સમગ્ર કેસની સાથે અત્યાર સુધીની તપાસ પણ નિર્લિપ્ત રાય કરશે.
સુરતમાં પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતની અટકાયત
અમરેલીમાં થયેલા બનાવટી લેટરકાંડ બાદ પાટીદારની યુવતી સાથે પોલીસે અયોગ્ય વર્તન કર્યુ હોવાના આક્ષેપ સાથે છેલ્લા કેટલાક દિવસથી રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા નારા સ્વાભિમાન આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને આજે સુરતમાં પણ ધરણાનું આયોજન કરાયું હતું. જોકે ધરણા કરવા માટે મંજૂરી મળી ન હતી. પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના અગ્રણી નેતાઓ એકઠા થયા હતા અને ધરણા કરે એ પૂર્વે પોલીસે ધાનાણી અને દુધાતની અટકાયત કરી હતી.
લેટરકાંડ મામલે 3 પોલીસકર્મી સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે ફરજમાં બેદરકારી બદલ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા છે. આ કાર્યવાહી અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતેએ કરી છે.
ગુજરાતના અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું. જેમાં રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માગ કરી હતી.