અરરર…પિતા-પુત્રએ દૂધ ન આપતી ૧૦૮ ગાયની કરી નાખી કતલ !
નજીવા પૈસે ગાયને ચારવા માટે લઈ ગયા બાદ મોતને ઘાટ ઉતારી દીધાનો ધડાકો
મોરબી જિલ્લામાં ઘણા લાંબા સમયથી ગાયની કત્લ થઈ રહ્યાની ઘટના બની રહી હોય ગૌસેવકો દ્વારા આ મુદ્દે બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી હતી સાથે સાથે પોલીસે પણ આ મુદ્દે ઝંપલાવ્યું હતું.
આ અંગે પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે માળિયા (મી.)ના ખાખરેચી ગામના માલધારીઓ દ્વારા ચીખલીના પિતા-પુત્રને ૫૦ જેટલી ગાય ચરાવવા માટે આપી હતી. ૫૪૦માંથી ૧૪ જેટલી ગાય પરત ન મળતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતાં ગૂમ થયેલી ૧૪ ગાય વેચી નાખવામાં આવ્યાનો ભાંડાફોડ થયો હતો. આ ૧૪ ગાય ચાર શખ્સો દ્વારા ખરીદ કરાઈ હતી તેમાંથી ૧૩ ગાયની કતલ કરવામાં આવ્યાનું ખુલ્યું છે. માળિયા તાલુકા પોલીસે મુસ્તાક આમીનભાઈ લધાણી અને આમીન કરીમભાઈ લધાણી નામના પિતા-પુત્ર સામે ગુનો નોંધ્યો હતો. આ સિવાય અન્ય ચાર શખ્સો સામે પણ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કરાયા હતા.
એકંદરે આ મામલે પોલીસે વધુ તપાસ કરતાં પિતા-પુત્ર દ્વારા ૧૦૮ ગાયને ગુમ કરી નાખવામાં આવી હતી. આ બન્નેએ સાત મહિના પહેલા અમરાપર ગામના મેહુલ અરજણભાઈ ગોલતર પાસેથી ૨૫ ગાય, જીવણ ખેતાભાઈ પાસેથી ૨૦ ગાય ચરાવવા લીધી હતી જે પરત આપી ન્હોતી. બીજી બાજુ ધ્રાંગધ્રા પોલીસમાં ગોપાલ ગોલતર નામના વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે દોઢ મહિના પહેલાં પિતા-પુત્રએ તેની પાસેથી ૫૦ ગાય ચરાવવા માટે લીધા બાદ ગાયબ કરી નાખીને કહ્યું હતું કે ગાય જંગલ વિસ્તારમાં ચાલી ગઈ છે. આ બન્ને દૂધ ન આપતી હોય તેવી ગાય નજીવા પૈસે ચરાવવા માટે લઈ જતા અને જેવી તક મળે એટલે કતલ કરી નાખતા હોવાનું બહાર આવ્યું છે.