કેજરીવાલે ભાજપને દિલ્હીમાં શું આપી બે ચેલેન્જ ? શું કહ્યું ? જુઓ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલે ભાજપને બે મોટા પડકારો આપ્યા છે. ઝૂંપડપટ્ટીઓ અંગે કેજરીવાલે કહ્યું કે જેમના ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે તેમને એ જ જગ્યાએ ઘર બનાવી આપવામાં આવે અને તેમની સામેના કેસ પાછા ખેંચવામાં આવે. જો ભાજપ આ બે ચેલેન્જ પૂરી કરે તો હું ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચી લઈશ. એમણે ગૃહમંત્રી અમિત શાહને ચેલેન્જ ફેકી છે અને આરોપો પણ મૂક્યા છે.
અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે 27 ડિસેમ્બરે ઉપરાજ્યપાલે શકુર બસ્તી રેલ્વે કોલોની પાસે બનેલી ઝૂંપડપટ્ટીનો લેન્ડ યૂઝ બદલી નાખ્યો છે. કેજરીવાલે કહ્યું કે દસ વર્ષમાં ભાજપે ઝૂંપડપટ્ટી જગ્યાએ ફક્ત 4700 ઘર આપ્યા છે જ્યારે દિલ્હીમાં ચાર લાખ ઝૂંપડા છે. ભાજપ આગામી એક વર્ષમાં બધી ઝૂંપડપટ્ટી તોડી પાડવા જઈ રહ્યો છે. ચૂંટણી પૂરી થતાં જ ભાજપ બધા ઝૂંપડા તોડી પાડશે.
ગરીબો સાથે મોટો દગો
કેજરીવાલે કહ્યું કે, ભાજપ ઝૂંપડપટ્ટીના લોકો સાથે છેતરપિંડી કરી રહી છે. ભાજપ કહે છે કે તે ઝૂંપડપટ્ટી હટાવીને ઘર આપશે પરંતુ 30 સપ્ટેમ્બર 2024 ના રોજ રેલ્વેએ આ જમીનનું ટેન્ડર જાહેર કર્યું છે. 15 દિવસ પહેલા ઉપરાજ્યપાલે આ ઝૂંપડપટ્ટીનો લેન્ડ યૂઝ બદલી નાખ્યો છે. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને ખ્યાલ નથી કે 8 ફેબ્રુઆરીએ ચૂંટણી પૂરી થતાં આ ઝૂંપડપટ્ટી તોડી પાડશે.
ભાજપ ગેરમાર્ગે દોરે છે
કેજરીવાલે કહ્યું છે કે અમિત શાહ ઝૂંપડપટ્ટીવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ભાજપ કહે છે કે ‘જ્યાં ઝૂંપડા, ત્યાં મકાન’ આપીશું પણ એવું નથી કહેતા કે જ્યાં ઝૂંપડપટ્ટી છે ત્યાં તેમના મિત્રો અને બિલ્ડર્સના મકાન બનશે. આખી દુનિયા જાણે છે કે તેમના એક જ મિત્ર છે અને પોતાના મિત્રને આપવા માટે તેમની ખરાબ નજરો હવે તમારા ઝૂંપડા પર પડી ગઈ છે.