નરેન્દ્ર મોદી આવતા મહિને ફ્રાન્સની મુલાકાતે : AI સમિટમાં ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને ફેબ્રુઆરીમાં ફ્રાન્સની મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ 10-11 ફેબ્રુઆરીએ પેરિસમાં આયોજિત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સમિટમાં ભાગ લેશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ મુલાકાત એઆઈના ક્ષેત્રમાં ભારત સાથે વાતચીતને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહી છે.
ધ હિન્દુના અહેવાલ મુજબ, આ મુલાકાત દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચે બે મોટા સંરક્ષણ સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે, જેની અંદાજિત કિંમત 10 અબજ ડોલરથી વધુ છે. તેમાં ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ-એમ ફાઇટર જેટની ખરીદી અને ત્રણ વધારાની સ્કોર્પિન-ક્લાસ કન્વેન્શનલ સબમરીન માટેનો સોદો સામેલ છે. આ સોદાઓને આગામી થોડા અઠવાડિયામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) પાસેથી મંજૂરી મળે તેવી શક્યતા છે. આ સોદા ભારત-ફ્રાન્સના સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરશે.
ફ્રાન્સમાં યોજાનારી AI સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક AI ક્ષેત્રને સામાજિક, આર્થિક અને પર્યાવરણીય રીતે ફાયદાકારક પરિણામો માટે તૈયાર કરવાનો છે. વડાપ્રધાન મોદી આ સમિટમાં ભાગ લેશે અને એઆઈના ક્ષેત્રમાં ભારતના યોગદાન અને નીતિઓ અંગે ચર્ચા કરશે.