ગેમની લતે જીવ લીધો !! 17 વર્ષીય સગીરે ગેમ હારી જતાં ઝેરી દવા પી કર્યો આપઘાત, પરિવારમાં શોક
આજકાલ બાળકો અને યુવાનોમાં મોબાઈલને લઈને ઘેલછા ખૂબ જ વધી ગઈ છે. એમાં પણ બાળકો અને યુવાનોને મોબાઈલ ગેમની એટલી હદે આદત બની ગઈ કે તે ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે ત્યારે આવી જ એક ઘટના ભુજમાંથી સામે આવી છે જે માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પણ કહી શકાય એમ છે. 17 વર્ષીય સગીરે ગેમમાં હારી જતાં જીવનો અંત આણી દેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
મળતી વિગતો અનુસાર આ ઘટના ભુજના મોખાણા ગામની છે જ્યાં 17 વર્ષીય કાર્તિક કાનજીભાઇ મેરીયાએ ગત 4 જાન્યુઆરીના નિંદામણ બાળવાની ઝેરી દવા પી લેતા કાનજીભાઈ મેરીયા ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેઓનું 8મી જાન્યુઆરીના સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પથ્થર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી.પરમારના જણાવ્યા પ્રમાણે હતભાગી કિશોર ઘરે મોબાઈલમાં કોઈ ગેમ રમતા તે હારી ગયો હતો. જેના આઘાતમાં તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. હતભાગીનો મોબાઈલ કબજે લેવામાં આવ્યો છે. આ કિશોર કઈ ગેમ રમતો હતો તે તપાસ દરમિયાન બહાર આવવા પામશે.