સર્વેશ્વર ચોકનું પે એન્ડ પાર્કિંગ રદ્દ, એ-ડિવિઝનની સામે, કેકેવી બ્રિજ નીચે નવી સાઈટ
પાર્કિંગના પૈસા પણ ભરવાના ઉપર જતાં વાહન ચોરાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખવાનું
વાહન ચોરાઈ જાય કે નુકસાન થાય તો જવાબદારી કોન્ટ્રાક્ટર કે મહાપાલિકાની નહીં રહે
અમદાવાદ સહિતના શહેરોમાં મનપાએ ભાડે આપેલી પાર્કિંગ સાઈટ પરથી વાહન ચોરાઈ જાય તો જવાબદારી કોન્ટ્રાક્ટરની નક્કી કરાયેલી પણ રાજકોટમાં વહે છે ઉલટી ગંગા
કુલ ૩૫ સ્થળે પે એન્ડ પાર્કિંગ સાઈટ માટેનું ટેન્ડર પ્રસિદ્ધ
રાજકોટમાં દિવસેને દિવસે ટ્રાફિકની સાથે પાર્કિંગની સમસ્યા વિકરાળ બની રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે મહાપાલિકા કે પોલીસ તંત્ર પાસે કોઈ જ પ્રકારનું સ્પષ્ટ વિઝન ન હોવાથી એક બાદ એક સાઈટ પે એન્ડ પાર્કિંગ મતલબ કે પૈસા ચૂકવીને વાહન પાર્ક કરવા માટે ઉમેરાઈ રહી છે. વળી, પોતાની કે કોન્ટ્રાક્ટરની કોઈ જ જવાબદારી ફિક્સ કરવાની જગ્યાએ મહાપાલિકાનું તંત્ર વાહન પાર્ક કર્યા બાદની સઘળી જવાબદારી મતલબ કે ચોરાઈ જાય, નુકસાન થાય તે સહિતના તમામ જોખમ વાહન માલિકની કેડ પર બાંધી દેવા માટે અધીરી બની હોય તેવું પ્રસિદ્ધ કરાયેલા ટેન્ડર પરથી લાગી રહ્યું છે.
મહાપાલિકા દ્વારા નવી બે સાઈટ ઉમેરીને કુલ ૩૫ સ્થળે પે એન્ડ પાર્કિંગનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે બે નવી સાઈટ ઉમેરવામાં આવી છે તેમાં એ-ડિવિઝન પોલીસ મથક સામેનો પ્લોટ કે જ્યાં અત્યાર સુધી મફત પાર્કિંગ થઈ શકતું હતું તે અને કેકેવી બ્રિજ નીચે હવે વાહન પાર્ક કરવાનો ચાર્જ ચૂકવવો પડશે. એ-ડિવિઝન પોલીસ મથક સામેના પ્લોટમાં પે એન્ડ પાર્કિંગ માટેની સાઈટ મેળવવાનો ચાર્જ ૭૦,૦૦૦ તો કેકેવી મલ્ટી લેવલ બ્રિજની બન્ને બાજુ (જય સીયારામ ચા)ની સાઈટનો ભાવ ૫૫,૦૦૦ રાખવામાં આવ્યો છે. જ્યારે સર્વેશ્વર ચોકની પાર્કિંગ સાઈટ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારમાં કુલ ૩૫ સ્થળે પે એન્ડ પાર્કિંગ સાઈટ માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં ૫૧ પ્રકારની શરતો સમાવિષ્ટ છે તે પૈકી ક્રમ નં.૪૮ની જે શરત છે તે લોકોની ચિંતા વધારી દેનારી છે. આ શરતમાં લખવામાં આવ્યું છે કે પે એન્ડ પાર્કની દરેક સાઈટ પર `વાહન ચાલકે પોતાના ખર્ચે તેમજ જોખમે વાહન પાર્ક કરવું’ તેવું બોર્ડ ફરજિયાત પ્રદર્શિત કરવાનું રહેશે!
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એક તો વાહન માલિક પોતાના પૈસે વાહન પાર્ક કરે અને જો તે વાહનને નુક્સાન થાય કે ચોરી થાય તો કોન્ટ્રાક્ટર કે તંત્રની કોઈ જ જવાબદારી બને નહીં ! અમદાવાદ સહિતના શહેરોમાં જો વાહન ચોરાય કે નુકસાન જાય તો જવાબદારી કોન્ટ્રાક્ટરની બને છે તેવી શરત અમલમાં છે પરંતુ રાજકોટ મહાપાલિકા હંમેશા અન્યથી વિપરિત ચાલવા માટે ટેવાયેલી હોવાથી પે એન્ડ પાર્કિંગ મામલે પણ એવું જ કરી રહી છે.