આવતાં શનિવારે મહાપાલિકાનું જનરલ બોર્ડ: ફરી ભજવાશે નાટક’
ભાજપના ૧૬ કોર્પોરેટરોએ ૩૨ પ્રશ્નો પૂછયા પણ
ચીલાચાલું’
કોંગ્રેસના સાગઠિયા-સોરાણી છેલ્લી ઘડીએ પ્રશ્નો મુકવા દોડ્યા
ભયંકર ટ્રાફિક, ઠેર-ઠેર દબાણ, અનેક વિસ્તારોમાં માથું ફાડી નાખે તેવી ગંદકી કોઈને દેખાતી જ નથી
મહાપાલિકામાં દર બે મહિને એક નાટક' ભજવાય છે જેનું નામ છે જનરલ બોર્ડ ! જ્યારથી ભાજપના ૬૮ અને કોંગ્રેસના ૪ કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે ત્યારથી શહેરીજનો જનરલ બોર્ડને
નાટક’ કહીને જ સંબોધી રહ્યા છે કેમ કે તેમાં પ્રજાને સીધી રીતે સ્પર્શતા એક પણ પ્રશ્નની ચર્ચા કરવાને બદલે માત્રને માત્ર ટાઈમપાસ' જ કરવામાં આવી રહ્યો હોય છે. આવું જ એક
નાટક’ આવતાં શનિવારે પણ ભજવાશે જેમાં ભાજપના ૧૬ કોર્પોરેટરોએ ૩૨ પ્રશ્નો પૂછયા છે પરંતુ એ તમામ ચીલાચાલું હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. વળી, કોંગ્રેસના વશરામ સાગઠિયા અને ભાનુબેન સોરાણી છેલ્લી ઘડીએ પોતાના પ્રશ્નો મુકવા દોડ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
શહેરમાં અત્યારે ભયંકર ટ્રાફિક સમસ્યા, ઠેર-ઠેર દબાણ, અનેક વિસ્તારોમાં માથું ફાડી નાખે તેવી ગંદકી સહિતના એક નહીં બલ્કે અનેક પ્રશ્નો છે પરંતુ તેનો ઉકેલ લાવવાની એક પણ કોર્પોરેટરને પડી નથી જે વાત તેમણે પૂછેલા પ્રશ્નો પરથી સાબિત થઈ જાય છે. ભાજપના ૬૮ કોર્પોરેટર છે તેમાંથી માત્ર ૧૬ને જ પ્રશ્ન પૂછવાનું સૂઝ્યું તે મુદ્દો પણ અત્રે મહત્ત્વનો બની જાય છે.
આ વખતે જનરલ બોર્ડની કાર્યવાહીમાં સૌથી પહેલો પ્રશ્ન હાર્દિક ગોહિલનો છે. આ સહિત ૧૬ કોર્પોરેટરે ૩૨ તો કોંગ્રેસના બે કોર્પોરેટરે ૬ પ્રશ્નો પૂછતાં કુલ ૩૮ પ્રશ્નો સામેલ કરાયા છે. જો કે સૌ જાણે છે કે એક જ પ્રશ્નમાં આખા બોર્ડની કાર્યવાહી આટોપી લેવાશે.