દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકી બારમા ધોરણનો વિદ્યાર્થી આપતો હતો
પરીક્ષા ન આપવી પડે એટલે વિક્ષેપ સર્જતો હતો
દિલ્હીની અનેક શાળાઓને બોમ્બની ધમકી આપીને અંધાધુંધી અને ગભરાટનું વાતાવરણ સર્જનાર બારમા ધોરણમાં અભ્યાસ કરતા એક સગીરની પોલીસે ધરપકડ કરી હતી. પોતાને પરીક્ષાના દેવી પડે તે માટે શાળાઓની કામગીરીમાં વિક્ષેપ પાડવાને હેતુથી તેણે આ કરતુતો કર્યા હોવાનું કબૂલ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર તેણે કુલ છ વખત બોમ્બ મૂક્યાની ધમકી આપતા ઈમેલ કર્યા હતા. એક વખત તો તેણે એક સાથે 23 શાળાઓને આવા ઈમેલ મોકલ્યા હતા. કોઈને શંકા ન જાય એ માટે તેણે પોતાની શાળાને ઇમેલ મોકલવાનું ટાળ્યું હતું.
આ ધમકીઓને કારણે દિલ્હીની શાળાઓમાં જે તે દિવસે રજાઓ રાખવાની ફરજ પડી હતી. શાળા સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ગભરાટની લાગણી ફેલાઈ હતી.વિવિધ સુરક્ષા એજન્સીઓને દોડધામ મચી ગઈ હતી.
નોંધનીય છે કે ગત મહિને દિલ્હીની 40 જેટલી નામાંકિત શાળાઓને આવી ધમકીભર્યા ઈ મેલો મળ્યા હતા. બોમ્બે નિષ્ક્રિય કરવા માટે 30000 ડોલરની માંગણી પણ કરવામાં આવી હતી. એ મુદ્દે રાજકારણ પણ ગરમાયું હતું. અરવિંદ કેજરીવાલે દિલ્હી પોલીસની નિષ્ફળતાની ઝાટકણી કાઢી ગૃહ મંત્રી અમિત શાહ સામે નિશાન તાક્યું હતું. જો કે હવે આ કોઈ મોટું ષડયંત્ર નહીં પણ એક સગીર વયના વિદ્યાર્થીનું કરતૂત હતું તે સ્પષ્ટ થયું છે.