દવા વેચો પણ નશા માટે નહીં: પોલીસે મેડિકલ સ્ટોર સંચાલકો-વેપારીઓને આપી ‘સમજણ’ આવું રાજકોટમાં શક્ય જ ન બને?
નશેડીઓએ સોલ્યુશન ટ્યુબ, મેડિકલ ટેબ્લેટ, ઈન્જેક્શન સહિતથી નશો કરવાનું શરૂ કર્યું હોય પોલીસ માટે પણ ઉભો થઈ રહ્યો છે પડકાર
જો કોઈ વ્યક્તિ નશીલી દવાઓ-ઈન્જેક્શન પ્રિસ્ક્રિપ્શન વગર લઈ જતી હોય તો પોલીસને જાણ કરવા કરેલી અપીલ સૌએ રાખી ગ્રાહ્ય : રાજકોટમાં આવી બેઠક ક્યારેય મળતી જ નથી…શા માટે ?
રાજકોટ સહિત આખા ગુજરાતમાં ડ્રગ્સ, દારૂ, ચરસ, ગાંજા સહિતના વેચાણને નેસ્તોનાબૂદ કરી દેવા માટે ઉપરી અધિકારીઓ દ્વારા વારંવાર સુચના-આદેશ આપવામાં આવે છે તેના આધારે કામગીરી પણ થઈ રહી છે. એકંદરે પોલીસની વધી રહેલી ધોંસને કારણે નશેડીઓ હવે નશો કરવા માટે અલગ વસ્તુનો ઉપયોગ કરતાં થઈ ગયા હોવાથી તેમને પકડવા પોલીસ માટે પણ પડકાર બની ગયા છે. આ પડકારને પહોંચી વળવા માટે અમદાવાદ પોલીસે શહેરના ૨૫૦ જેટલા મેડિકલ સ્ટોર સંચાલકો, ડિલરો, વિક્રેતાઓ સાથે બેઠક કરીને તેમને દવા, ઈન્જેક્શન સહિતનું વેચાણ કેવી રીતે કરવું તે સહિતની બાબતે સમજણ આપી હતી. અત્રે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે રાજકોટમાં આવી કાર્યવાહી કેમ ક્યારેય થઈ રહી જ નથી ?
અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિક, સેક્ટર-૨ જેસીપી જયપાલસિંહ રાઠૌર, ડીસીપી ઝોન-૬ રવિ મોહન સૈની, જે-ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિ તેમજ માર્ગદર્શન હેઠળ મણિનગર, ઈસનપુર, વટવા અને વટવા જીઆઈડી પોલીસ મથકના પીઆઈની હાજરીમાં મેડિકલ સ્ટોરના માલિકો, ધારકો, ડિલરો અને વિક્રેતાઓ સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં એ મુદ્દો ચર્ચાયો હતો કે એનડીપીએસ એક્ટની વ્યાખ્યામાં ન આવતાં હોય તે પ્રકારે નશેડીઓ નશો કરી રહ્યા હોય તેમને પકડવા આકરું કામ બની જાય છે. ખાસ કરીને મેડિકલ ટેબલેટ, ઈન્જેક્શન, સોલ્યુશન ટ્યુબ સહિતની નશાકારક વસ્તુનો ઉપયોગ કરતાં હોય જેને અટકાવવા અને પકડી પાડવા જરૂરી બની જાય છે. આ બેઠકમાં ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી એ.એસ.વ્યાસ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તમામ મેડિકલ સ્ટોર સંચાલકો, ડિલરો અને વિક્રેતાઓને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે ટેબલેટ અને ઈન્જેક્શન પ્રિસ્ક્રિપ્શન વગર નહીં વેચવા, વધારે માત્રામાં ઈન્જેક્શન અને મેડિકલ ટેબલેટ ખરીદતાં વ્યક્તિઓ બાબતે માહિતી આપવી જોઈએ. બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવાની બાહેંધરી પણ આપવામાં આવી હતી. આ અપીલને તમામે ગ્રાહ્ય પણ રાખી હતી.