રાજકોટમાં વ્યાજખોરોનો આતંક : વૃદ્ધ પાસેથી 5 હજારના 3.59 લાખ માંગ્યા,મુદત ચૂકવી દીધા બાદ વ્યાજ વસૂલવા ધમકીઓ આપી
રાજકોટના માર્કેટયાર્ડની બાજુમાં માલધારી સોસાયટી વિસ્તારમાં રહેતા વૃદ્ધે 18 વર્ષ પૂર્વે પુત્રના લગ્ન માટે લીધેલા રૂ.5000 રકમનું વ્યાજ સહીત રૂ.3.59 લાખ વસુલવા ધમકી આપતા પોલીસે વ્યાજખોરની શોધખોળ શરુ કરી છે.
વિગતો મુજબ માર્કેટયાર્ડની બાજુમાં માલધારી સોસાયટી વિસ્તાર કરણાભાઈના ગાર્ડન વાળી શેરીમાં રહેતા અમરશીભાઇ સોમાભાઇ વાઘેલાએ ધોરાજી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજીના ફરેણી ગામના દિનેશ વલ્લભ ડાભીનું નામ આપતા જણાવ્યું હતું કે, આશરે 18 વર્ષે પહેલા ધોરાજી ખાતે રહેતા હોય અને ત્યારે દિકરા પ્રવિણના લગ્ન કરવાના હોય અને આર્થીક સ્થિતિ સારી ન હોય અને લગ્ન માટે 5000 રૂપિયાની જરૂર હોય જેથી બાજુમાં રહેતા દિનેશ વલ્લભભાઈ ડાભીને વાત કરતા તેણે વ્યાજે 5000 રોકડા આપેલ હતા અને ત્યારબાદ રૂપિયાની સગવડ ન થતા દિનેશને આ રકમ પરત ચુકવી શકેલ નહી અને ત્યારબાદ દિકરો પ્રવિણનું અવસાન થયું હતું.
2013 ની સાલમાં દિનેશએ 5000 વ્યાજ સહીત ચુકવવા વાત કરી હતી જોકે અમરશીભાઈની આર્થીક સ્થિતિ ખરાબ હોય પૈસાની સગવડ થાય એમ નહી હોવાનું જણાવ્યું હતું.જેથી આરોપીએ 10 ટકા લેખે વ્યાજ આપવુ પડશે તેમ કહી મહિનાના 500 વ્યાજ આપવુ પડશે જેથી દિનેશને કટકે કટકે દર મહીને રૂ.500 વ્યાજ પેટે રોકડા આપવાનુ ચાલુ કરેલ હતી. આરોપીને મુદલના પૈસા આપી દિધેલ હોય અને હવે વ્યાજના રૂપિયા આપી શકે તેવી સ્થિતિ ન હોવાનું અમરશીભાઇએ જણાવ્યું હતું. જેથી આરોપી દિનેશએ વ્યાજના રૂ.3.59 લાખ માંગી ધમકી આપવાનું શરુ કરતા ધોરાજી પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.