અજમેરથી ઉર્સની ઉજવણી કરી મુંબઈ પરત ફરી રહેલા 7 લોકોને નડ્યો અકસ્માત : 3 લોકોના કમકમાટીભર્યા મોત
રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે આજે પણ વધુ એક ગોઝારા અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરોઢે પૂરપાટ ઝડપે જતી અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાતાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો બનાવસ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતને પગલે નેશનલ હાઈવે નંબર 48 પર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

4 લોકોની હાલત ગંભીર
મળતી વિગતો અનુસાર આ ઘટનઆ અંકલેશ્વરના બાકરોલ નજીકની છે જ્યાં આ ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં પરિવાર અજમેરથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો અને કારમાં કુલ સાત લોકો સવાર હતા. ત્યારે બાકરોલ બ્રિજ નજીક કાર ધડાકાભેર ટ્રક પાછળ ઘૂસી જતા એક જ પરિવારના 3 લોકોના મોત થયા હતા. કારમાં સવાર અન્ય 4 લોકોની હાલત પણ ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. જેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે શું કહ્યું ?
આ મામલે પોલીસે જણાવ્યું કે કારની ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઈજાગ્રસ્તોને બચાવવા માટે ક્રેન બોલાવવી પડી હતી. અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. હાલ આ મામલે પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
કારનો કચ્ચરઘાણ વળી ગયો
માહિતી અનુસાર આ કારમાં સવાર પરિવારના સભ્યો મુંબઈ તરફ જઇ રહ્યા હતા. અર્ટિગા કારની હાલત એવી થઇ ગઈ હતી કે જેને જોઈને કોઈને વિશ્વાસ જ ન થાય કે તેમાંથી કોઈનો જીવ બચ્યો હશે.