વૉટસએપમાં એક મેસેજ કર્યો’ને થોડી જ વારમાં ટોળું પોલીસ ઉપર તૂટી પડ્યું
વીંછિયાના થોરીયાળી ગામે પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં ૮૫ સામે નોંધાયો ગુનો
સમાજના આગેવાન મુકેશ રાજપરાની જિદ્દ' ન માનતાં હવે જૂઓ તમારી શું હાલત થાય છે કહી વૉટસએપ મેસેજ વાયરલ કર્યા
બે પીઆઈ સહિત સાત ઘાયલ, ત્રણ બોલરોને પણ નુકસાન: એક બાદ એકની ધરપકડ
વીંછિયાના થોરીયાળી ગામે હત્યાના આરોપીઓના રિ-ક્નસ્ટ્રક્શન વખતે આખા ગામમાં તેમનો
વરઘોડો’ કાઢવાની જિદ્દ પૂરી ન થતાં હજારો લોકોના ટોળામાંથી અમુક તોફાનીઓએ કાયદો હાથમાં લઈને પોલીસ ઉપર બેફામ પથ્થરમારો કરતા પોલીસે પણ બળપ્રયોગ કરવો પડ્યો હતો. એકંદરે આ પથ્થરમારાને કારણે બે પીઆઈ સહિત સાત પોલીસ અધિકારીઓ-જવાનો ઘાયલ થયા હતા તો ત્રણ બોલેરોને પણ નુકસાન પહોંચ્યું હતું.
આ અંગે જસદણ પોલીસ મથકના પીઆઈ ટી.બી.જાનીએ ફરિયાદી બની નોંધાવેલી ફરિયાદમાં સૌથી પહેલું નામ એક જ્ઞાતિના આગેવાન કે જેનું નામ મુકેશ રાજપરા છે તેનું લખાવ્યું હતું. મુકેશ રાજપરાને જેવી ખબર પડી કે પોલીસ હત્યારાઓને રિ-ક્નસ્ટ્રક્શન માટે લાવી રહી છે એટલે તેણે પીએસઆઈ સરવૈયા સાથે ફોન પર આરોપીઓનું આખા ગામમાં સરઘસ કાઢવાને લઈને માથાકૂટ કરી હતી. પોલીસ દ્વારા મુકેશ રાજપરાને તે ક્યાં છે તેવું પૂછવામાં આવતાં તેણે ફોન કાપી નાખ્યો હતો. આ પછી જેવી પોલીસ ગુનાના સ્થળે પહોંચી કે મુકેશ સહિતના ૫૦૦ લોકોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું અને પોલીસ સાથે રકઝક શરૂ કરી હતી. આ પછી મુકેશ દ્વારા વૉટસએપમાં મેસેજ વાયરલ કરી થોરિયાળી ગામે એકઠા થવાનું કહેતાં જ ત્રણ હજાર લોકો એકઠા થઈ ગયા હતા ત્યારે પણ પોલીસ દ્વારા આ ગેરકાયદેસર કૃત્ય ન કરવા માઈક મારફતે અપીલ કરાઈ હતી આમ છતાં કોઈ માન્યા નહોતા ઉલટાનું ગાળો બોલવાનું શરૂ કરી દઈ પથ્થરમારો શરૂ કરી દેવામાં આવતાં રૂરલ એલસીબી પીઆઈ ઓડેદરા, પીએસઆઈ સરવૈયા, પીઆઈ ટી.બી.જાની, એલસીબી પીએસઆઈ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ, મહિલા કોન્સ્ટેબલન સવિતાબેન, જીઆરડી મુકેશભાઈ, દશરથભાઈ સહિતના ઘાયલ થઈ ગયા હતા.
પોલીસે નાછૂટકે લાઠીચાર્જ, ટીયરગેસના સેલ છોડવા સહિતની કાર્યવાહી કરવા મજબૂર બનવું પડ્યુંહતું. આ કાંડમાં સામેલ ૮૫ લોકો સામે ગુનો નોંધી ૬૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
વીંછિયાએ પાળ્યો અડધો દિવસનો બંધ
પોલીસ પર પથ્થરમારાની ઘટના બન્યાના બીજા દિવસે વીંછિયાએ સજ્જડ બંધ પાળ્યો હતો. જો કે કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હિમકરસિંહ સહિતના અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે સાથે પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ કરાઈ હતી. બીજી બાજુ ૧૫૮ જેટલા બાઈક કબજામાં લઈ તેના નંબરના આધારે બાઈકમાલિકની શોધખોળ શરૂ કરાઈ હતી.