‘મારા પપ્પાને કેમ અહી બોલાવો છો’ કહી પોસ્ટ ઓફિસમાં ઇન્સ્પેક્ટર પર હુમલો
ગોંડલ પોસ્ટ ઓફીસનો બનાવ : હુમલાખોરના પિતા અગાઉ ઓફિસમાં નોકરી કરતાં હતા ત્યારે ફ્રોડ કરતાં અધિકારીએ પૂછતાછ માટે ઓફિસમાં બોલાવતા પુત્રએ માર માર્યો
ગોંડલ પોસ્ટ ઓફિસમાં ફરજ પર રહેલા સબ ડીવીઝનલ ઇન્સ્પેક્ટર પર બે શખસોએ ‘મારા પપ્પાને કેમ અહી બોલાવો છો’ કહી હુમલો કર્યો હતો. હુમલાખોરના પિતા અગાઉ ગોંડલ પોસ્ટ ઓફિસમાં નોકરી કરતાં હતા ત્યારે ફ્રોડ કરેલ હોય જે બાબતે અધિકારીએ ઓફીસે બોલાવ્યા હતા.જે વાતનો ખાર રાખી માર માર્યો હતો.
વિગત મુજબ રાજકોટમાં વૈશાલી નગર શેરીનં.06માં અક્ષર વાટીકામાં રહેતા નિલયભાઈ મહેશકુમાર પરમારે પોતાની ફરિયાદમાં આરોપીમાં ગૌરવ અને તેની સાથેના એક અજાણ્યા શખસનું નામ આપતા જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ પોસ્ટ ઓફીસમાં સાઉથ સબ.ડીવીઝનલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. ગઈ કાલ સવારના અગ્યારેક વાગ્યાના આસપાસ પોતે પોસ્ટ ઓફીસની ઓફીસમાં ફરજ પર હતાં. અને અન્ય સ્ટાફ પણ હાજર હતો. ત્યારે પોસ્ટ ઓફીસની શીશક બ્રાન્ચમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરતા તરુણભાઈનો દીકરો ગૌરવ તથા એક બીજો અજાણ્યો માણસ આવેલ અને આ ગૌરવે આવી કહેલ કે ‘મારા પપ્પાને કેમ અહી બોલાવો છો’ કહી મને જેમ ફાવે તેમ બોલવા લાગેલ અને ઢીકાપાટુનો માર માર્યો હતો.તેવામાં પોસ્ટ ઓફીસના કર્મચારીઓ આવી ગૌરવને રોકી બહાર કાઢ્યો હતો.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,આરોપીના પિતાએ રૂ.6,000 નુ ફ્રોડ કરેલ હોય તે બાબતે તરુણભાઈ ઉપર ખાતાકીય પગલા ચાલુ હોય જેથી તેઓને નિવેદન નોંધવા ઓફિસ પર બોલાવ્યા હતા.તે વાતનો ખાર રાખીને હુમલો કર્યો હતો.આ મામલે ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.