ધીકતો ધંધો ! ન્યારામાં સરકારી જમીનમાં ક્રિકેટનું મેદાન બની ગયું
પડધરી મામલતદારની ટીમે ઓપરેશન ડિમોલિશન હાથ ધરી છ એકર જમીન દબાણ મુક્ત કરી
રાજકોટ તાલુકાના પડધરી તાલુકાના ન્યારા ગામની સરકારી જમીન ઉપર ભજાબાજોએ છ એકર જમીન કબ્જે કરી ફરતી ફેન્સીંગ મારી દઈ અહીં બોક્સ ક્રિકેટની જેમ જ મેદાન ભાડે આપવાનું શરૂ કર્યું હોવાની બાબત સમયે આવતા પડધરી મામલતદાર કચેરીની ટીમે ઓપરેશન ડિમોલિશન હાથ ધરી કરોડોની કિંમતી છ એકર જમીન ખુલ્લી કરાવી મેદાનમાં ખાડા કરી ફેન્સીંગ તોડી પાડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરની ભાગોળે આવેલ પડધરી તાલુકાના ન્યારા ગામના જુના સર્વે નંબર 224ની છ એકર સરકારી જમીન ફરતે ફેન્સીંગ કરી લઈ કેટલાક તત્વો દ્વારા અહીં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી લઈ બહારથી રમવા આવતા લોકોને 5000થી 6000 જેટલું ભાડું વસૂલી ક્રિકેટ રમવા માટે મેદાન ભાડે અપાતું હોવાની વિગતો પડધરી મામલતદાર કેતન સખિયાના ધ્યાને આવતા મામલતદાર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન ડિમોલિશન હાથ ધરી છ એકર જમીનમાં ઉભી કરાયેલી ફેન્સીંગ તોડી પાડી ગ્રાઉન્ડમાં ખાડા કરી નાખી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અહીં એક એકર જમીન 4થી 5 કરોડ રૂપિયા એકરના ભાવે વેચાણ થતી હોય મામલતદાર દ્વારા અંદાજે 30થી 35 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાવી હતી.