રાજકોટ : વિરોધની એક, બે’ને ત્રણ ! કેકેવી બ્રિજ નીચે ગેઈમઝોન ખડકાશે જ
૧.૮૯ કરોડના ખર્ચે બોક્સ ક્રિકેટ, પિકલ બોલ, ઈનડોર ગેમ્સ, સ્કેટિંગ રિંગ બનાવવા સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત; આજે લેવાશે નિર્ણય
સૌથો મોટો પ્રશ્ન પાર્કિંગનો જ સર્જાશે, બાળકો-યુવકો રમતાં હશે’ને કોઈ વાહન અંદર ઘૂસી જશે તો ? સહિતના મુદ્દા લતાવાસીઓને અકળાવી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટી સમજી-વિચારીને દરખાસ્તને મંજૂરી આપે તેવો શહેરીજનોનો મત
રાજકોટમાં ટીઆરપી ગેઈમઝોન જેવો ગોઝારો અગ્નિકાંડ સર્જાઈ ગયો હોવા છતાં મહાપાલિકાને તેમાંથી ધડો લેવાની ફુરસદ જ ન હોય તેવી રીતે લોકોના જીવને જોખમમાં મુકવા માટે આગળ વધી રહી છે ! શહેરમાં આમ તો રમવા માટે પૂરતા ગ્રાઉન્ડ બચ્યા જ નથી એટલા માટે હવે બોક્સ ક્રિકેટ સહિતના સ્પોર્ટસનું કલ્ચર વધી રહ્યું છે ત્યારે મહાપાલિકા શહેરીજનોને બોક્સ ક્રિકેટ, સ્કેટિંગ રિંગ, ઈનડોર ગેમ્સ સહિતની સુવિધા આપવા માંગે છે જે સારી બાબત છે પરંતુ આ માટે તેણે જે વિસ્તાર અને વ્યવસ્થા પસંદ કર્યા છે તે જોખમી હોવાનું લોકો માની રહ્યા છે.
મનપા દ્વારા કેકેવી ઓવરબ્રિજ નીચે મિનિ ગેઈમ ઝોન બનાવવા માટે નિર્ણય લેવાયા બાદ કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું જેની સામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવા છતાં તે વિરોધની ઐસી તૈસી કરીને તંત્રવાહકો અહીં ગેઈમ ઝોન બનાવવાની જિદ્દ પકડીને બેસી ગયા છે. આ કામને સત્તાવાર મંજૂરી આપવા માટે આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત પણ આવી છે જેના પણ નિર્ણય લેવાશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને આજે કમિટીની બેઠક મળશે જેમાં કેકેવી મલ્ટીલેવલ બ્રિજ નીચે પરિમલ સ્કૂલ સામે પીકલ બોલ, બોક્સ ક્રિકેટ, ઈનડોર ગેમ્સ, સ્કેટિંગ રિન્ક બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ ચારેય રમતોની સુવિધા ઉભી કરવા માટે ૧.૮૯ કરોડનો ખર્ચનો અંદાજ વ્યક્ત કરાયો છે જેના ઉપર આજે કમિટી નિર્ણય લેશે.
સ્થાનિકોએ વિરોધ સાથે વ્યક્ત કરેલા મુદ્દા
- બ્રિજ આસપાસ ક્યાંય પબ્લીક પાર્કિંગની વ્યવસ્થા નથી
- બન્ને બાજુ કોમર્શિયલ કોમ્પલેક્સ હોવાથી ત્યાં આવતાં વાહન પાર્ક ક્યાં કરવા ?
- બન્ને બાજુ રોડ હોય વાહન પૂરપાટ ઝડપે દોડતું હોવાથી અકસ્માત થઈ શકે
- બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર થતાં હોય અને નીચે બાળકો રમતા હોય ત્યારે કોઈ ઘટના બને તો કેટલા જીવ હણાઈ જાય ?
- પાર્કિંગ ઉપરાંત ટ્રાફિક સમસ્યા પણ વકરશે
- વાયુ-ધ્વનિ પ્રદૂષણ વધી જશે
બોક્સ ક્રિકેટની યોજના પડતી મુકી દીધાંની જાહેરાત બાદ હવે ભૂત કેમ ધુણ્યું ?
મહાપાલિકા દ્વારા પાછલા વર્ષે ત્રણેય ઝોનમાં એક-એક બોક્સ ક્રિકેટ બનાવવા માટેની જાહેરાત કરી હતી પરંતુ સ્થાનિક લોકોના વિરોધને કારણે આ યોજના પડતી મુકવાની સાથે જ એવું પણ ભારપૂર્વક કહેવાયું હતું કે હવે મહાપાલિકા ક્યાંય બોક્સ ક્રિકેટ બનાવશે નહીં ! આ વાતને થોડા સપ્તાહ પૂર્ણ થયા કે અચાનક જ કેકેવી બ્રિજ નીચે બોક્સ ક્રિકેટ બનાવવાનું ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે અચાનક જ બોક્સ ક્રિકેટનું ભૂત આખરે ધૂણ્યું કેવી રીતે ?