મહારાષ્ટ્રમાં કયા બે નેતાઓએ શું કર્યું ? કોના પર ગુસ્સે થઈ બકવાસ કર્યો ? વાંચો
અત્યાર સુધી રાજકીય નેતાઓ એકબીજાને જ ગાળો દેતા આવ્યા છે અને કાદવ ઉછાળની રમત રમ્યા કરે છે પણ હવે અફસોસ એ છે કે ભાન ભૂલેલા આ નેતાઓ મતદારોને ગાળો દેવા અને એમને એલફેલ બોલવાના રવાડે ચડી ગયા છે અને આ ખતરનાક ટ્રેન્ડ બની શકે છે. મહારાષ્ટ્રના બે નેતાઓએ બેફામ બકવાસ કરીને લોકોમાં નફરત પેદા કરી છે. એનસીપીના અજીત પવાર અને શિંદે શિવસેનાના સંજય ગાયકવાડે બધી હદો પાર કરી દીધી હતી. જુઓ કોણે શું કહ્યુ ?.. ..
સંજય ગાયકવાડે હદ વટાવી
સંજય ગાયકવાડે બુલઢાણામાં એક જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે, ‘અહીં મતદારો બે-પાંચ હજાર રૂપિયા અને દારૂ-માંસ માટે વેચાઈ જાય છે. તેમના કરતાં તો રૂપલલના સારી છે. તમે મને એક મત આપી શકતા નથી, તમને તો માત્ર દારૂ, માંસ અને રૂપિયા જોઈએ.’
સંજય ગાયકવાડે કહ્યું કે, ‘અરે 2-2 હજારમાં વેચાઈ ગયા……. તેમના કરતાં તો રૂપલલના સારી છે. એક બાજુ આ ધારાસભ્ય તમારી દીકરીઓના કલ્યાણનો પ્રયાસ કરી રહ્યો છે. વિધાનસભા ક્ષેત્રનો વિકાસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમાં મારો કોઈ સ્વાર્થ નથી. પરંતુ (અમુક લોકો) પૈસા-માંસ-દારૂ આપી સંજય ગાયકવાડને હરાવવા માગતા હતા (અને મતદારો વેચાઈ પણ ગયાં). જો હું હારી ગયો હોત તો શું આ તમામ પ્રોજેક્ટ પૂરા થયા હોત.’
સંજય ગાયકવાડ માત્ર 841 મતોના માર્જિનથી જીત્યા હતા. તેમની જીતના ભાગરૂપે સત્કાર સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. તે સમયે તેમણે ઓછા મત મળવા બદલ મતદારો પર પોતાનો રોષ ઠાલવ્યો હતો.
અજીત પવાર પણ ભાન ભૂલ્યા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પોતાનો હોદ્દો, વર્ચસ્વ ભૂલ્યા હોય તેવુ લાગી રહ્યું છે. તેમને નાયબ મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચાડનારા મતદારોને તેઓ ખખડાવતાં જોવા મળ્યા હતાં તેમણે કહ્યું કે, ‘તમે મત આપ્યો છે, તેથી તમે મારા માલિક નથી બની ગયાં.’
એનસીપી અધ્યક્ષ અજિત પવારે બારામતીમાં એક જનસભાને સંબોધિત કરતાં ગુસ્સામાં નિવેદન આપ્યું કે, ‘તમે મને મત આપ્યો એટલે તેનો અર્થ એ નથી કે, તમે મારા માલિક બની ગયા. તમે મને સાલગડી (ખેતી-પશુઓની દેખરેખ રાખતો ખેત મજૂર) બનાવી દીધો છે.’
જનસભાને સંબોધિત કરતાં અજિત પવાર ભાષણ આપી રહ્યા હતા. ત્યારે મંચની નીચે બેઠેલા કાર્યકરો સતત પત્ર આપી પોતાનું કામ કરવા ભલામણો કરી રહ્યા હતા. પહેલાં તો અજિત પવારે તેમને નજરઅંદાજ કર્યા, પરંતુ બાદમાં આ સિલસિલો વધતાં તેઓ ભડકી ઉઠ્યા અને આ નિવેદન આપ્યું હતું.