સંજય રાઉતે ભાજપ અને જેડી યુ અંગે શું કહ્યું ? કેવો મૂક્યો આરોપ ? જુઓ
ઉધ્ધવ ઠાકરે શિવ સેનાના નેતા સંજય રાઉતે એવો દાવો કર્યો છે કે આગામી દિવસોમાં નીતિશકુમારની પાર્ટી જનતા દળ યુ ભાજપ સાથે ગઠબંધન તોડી નાંખશે તે ફાઇનલ જ છે. હવે આ બંને પાર્ટીઓ વચ્ચે અંદરખાને જોરદાર બબાલ શરૂ થઈ ગઈ છે.
એમણે એવો દાવો પણ કર્યો છે કે ભાજપ જનતા દળ યુના 10 સાંસદોને પોતાના કેમ્પમાં ખેંચવાનો પ્રયાસ કરી રહી છે . ભાજપ બિહારમાં પોતાની જ સહયોગી પાર્ટીની પીઠમાં ખંજર ભોંકી રહી છે અને આગામી દિવસોમાં નવાજૂની થવાની છે તેમાં બે મત નથી. બંને પાર્ટી વચ્ચે અંદરખાને મનમેળ રહ્યો નથી.
નીતિશ કુમારને 10 સાંસદોને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે વાતનું જ્ઞાન થઈ ગયું છે અને એટલા માટે જ તેઓ મૂંઝાયેલા રહે છે. મને શંકા છે કે તેઓ એનડીએમાં બનેલા રહેશે કે નહીં. એવું પણ લાગે છે કે 2025 મા બિહાર વિધાનસભાની ચુંટણી નીતિશકુમાર ભાજપ સાથે મળીને લડશે નહીં. આ ગઠબંધન હવે તૂટી જવાનું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જેડી યુ પાસે લોકસભામાં 12 સાંસદો છે અને તે એનડીએ સરકાર માટે ખૂબ જ મહત્વના છે. એટલા માટે જ 10 સાંસદોને તોડીને ભાજપ પોતાની તરફ ખેંચવા પ્રયાસ કરી રહી છે. રાઉતે એમ પણ કહ્યું છે કે એનડીએ સરકાર કેન્દ્રમાં 2 વર્ષ પણ ટકી શકશે નહીં.