૪ પૂર્વ મેયર, ૩ કોર્પોરેટર સહિત ૩૦ લોકોની શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદારી
પીઆઈ સાથે ડખ્ખો કરનાર સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા ઉપરાંત જૂના જોગી'ઓએ પણ ભર્યું ફોર્મ
બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળિયા, કલ્પનાબેન પટેલ, કલ્પનાબેન કિયાડા સહિત પાંચ મહિલાઓ પણ પ્રમુખ બનવા મેદાને
હાલના પ્રમુખ મુકેશ દોશી પણ
રેસ’માં: આજે સંકલનની બેઠકમાં ચોગઠાં'માં ફિટ ન બેસતાં હોય તેવા ફોર્મને હટાવાશે
સંગઠન પર્વ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂક કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે તે અનુસંધાને રાજકોટ શહેર પ્રમુખ માટે શનિવારે સવારે ૧૦:૩૦થી ૧:૩૦ વાગ્યા સુધી ફોર્મ ભરવાની મુદ્દત અપાયા બાદ નિશ્ચિત સમયની અંદર ૩૦ લોકોએ આ
મોભાદાર’ પદ માટે દાવેદારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જે લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે તેમાં ચાર પૂર્વ મેયર, ત્રણ કોર્પોરેટર સહિતનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાલના શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પણ પોતાનું ફોર્મ ભર્યું હતું.

ચાર પૂર્વ મેયરની વાત કરવામાં આવે તો તેમાં ડૉ.જયમીન ઉપાધ્યાય, બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળિયા ઉપરાંત હાલના કોર્પોરેટર અને પૂર્વ મેયર ડૉ.પ્રદીપ ડવનો સમાવેશ થાય છે. આ તમામે શહેર ભાજપ પ્રમુખપદ માટે ટેકેદારો સાથે પોતાનું ફોર્મ ભર્યું હતું.
જ્યારે ચાર કોર્પોરેટરો જેમાં શાસક પક્ષના દંડક અને ભાજપના મોસ્ટ સીનિયર કોર્પોરેટર મનિષભાઈ રાડિયા, દેવાંગ માંકડ અને ડૉ.પ્રદીપ ડવનો સમાવેશ થાય છે. જ્યારે શહેર ભાજપ પ્રમુખ બનવા માટે પાંચ મહિલાઓએ પણ દાવેદારી નોંધાવી છે ત્યારે સંભવત: શહેરને પહેલી વખત મહિલા શહેર ભાજપ પ્રમુખ પણ મળી શકે તેવી એક જૂથ ચર્ચા કરતું સાંભળવા મળ્યું હતું. બીજી બાજુ તાજેતરમાં જ જૂનાગઢ પીટીએસના પીઆઈ સંજય પાદરિયા સાથે મારામારી કરીને લાઈમલાઈટમાં આવેલા સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારાએ પણ પ્રમુખ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી.
દરમિયાન શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પણ ફરી પોતાને રિપિટ કરવા માટે ફોર્મ કર્યું હતું. આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ ચૂંટણી અધિકારીઓ ડૉ.માયાબેન કોડનાની, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના દ્વારા તમામ ફોર્મ જમા લઈને આજે કમલમ્ કાર્યાલય ખાતે સંકલનની બેઠકમાં ભાગ લેવામાં આવશે. આ બેઠકમાં ચારેય ધારાસભ્યો, બન્ને સાંસદો સહિતના ઉપસ્થિત રહેશે અને તેમાં ભરાઈને આવેલા ફોર્મ અંગે મંથન કરાયા બાદ `ચોગઠાં’ મતલબ કે પક્ષના ક્રાઈટેરિયામાં ફિટ ન બેસતાં હોય તેવા ફોર્મને રદ્દબાતલ કરીને પ્રદેશ કક્ષાએ માન્ય ફોર્મને મોકલવામાં આવશે.
કોણે કોણે ભર્યું ફોર્મ
મુકેશ દોશી
ડૉ.જયમન ઉપાધ્યાય (પૂર્વ મેયર)
બીનાબેન આચાર્ય (પૂર્વ મેયર)
રક્ષાબેન બોળિયા (પૂર્વ મેયર)
ડૉ.પ્રદીપ ડવ (પૂર્વ મેયર-હાલ કોર્પોરેટર)
મનિષભાઈ રાડિયા (કોર્પોરેટર)
દેવાંગ માંકડ (કોર્પોરેટર)
ગંભીરસિંહ પરમાર
માવજીભાઈ ડોડિયા
કિરણબેન માંકડિયા
કલ્પનાબેન પટેલ
કલ્પનાબેન કિયાડા
તેજસ ત્રિવેદી
શૈલેષભાઈ જાની
એડવોકેટ કમલેશ ડોડિયા
કશ્યપભાઈ શુક્લ
દિનેશ કારિયા
નીતિન ભૂત
જયંતી સરધારા
જે.ડી.ડાંગર
હરીભાઈ રાતડિયા
દિવ્યરાજસિંહ ડોડિયા
લાલાભાઈ મીર
દલસુખ જાગાણી
અશ્વિન મોલિયા
ધર્મેન્દ્ર મીરાણી
અનિલ મકવાણા
મને પક્ષે ઘણી જવાબદારી આપી છે, મારા કરતા ઘણા સીનિયર છે એટલે હું દાવેદારી કેમ કરું ?
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર પુષ્કર પટેલે કમલમ્ ખાતે હાજરી આપ્યા બાદ એવી ચર્ચા શરૂ થઈ હતી કે તેઓ પણ શહેર પ્રમુખ માટે દાવેદારી નોંધાવશે પરંતુ તેમણે ફોર્મ ભર્યું ન હોવાનું `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પક્ષે મને ઘણી જવાબદારી સોંપી છે એટલા માટે ઉમેદવારી નોંધાવવાનું ટાળ્યું છે સાથે સાથે પક્ષમાં મારા કરતાં પણ ઘણા સીનિયર નેતાઓ હોવાથી મેં દાવેદારી નોંધાવી નથી.
માર મારવાનું નાટક' કરનારા સરધારાએ ફોર્મ ભરતાં હાસ્ય સાથે સૌ ચોંક્યા !
સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારાએ પણ શહેર ભાજપ પ્રમુખ બનવા માટે દાવેદારી નોંધાવી હતી. આ એ જ જયંતી સરધારા છે જેણે તાજેતરમાં પોલીસ ટે્રનિંગ સ્કૂલ-જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયા દ્વારા પોતાને માર મારવામાં આવ્યો હોવાનું વ્યવસ્થિત
નાટક’ કરવામાં આવ્યું હતું. જો કે બાદમાં જે પ્રકારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા તેમાં પીઆઈને જયંતી સરધારા જ ઉશ્કેરી રહ્યાનું ફલિત થતાં ભોંઠા પડવા જેવું થયું હતું. હવે જયંતી સરધારાએ પ્રમુખ બનવા માટે દાવેદારી નોંધાવતાં અમુક જાણકારો હાસ્ય સાથે ચોંકી પણ ઉઠ્યા હતા !!
ચૂંટણીને ધ્યાનમાં રાખી મુકેશ દોશીનું રિપિટ' થવું નિશ્ચિત
આવતાં વર્ષે રાજકોટ મહાપાલિકાની ચૂંટણી છે ત્યારે આ ચૂંટણી આડે હવે એક વર્ષ જ બાકી રહ્યું હોવાથી શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશીનું રિપિટ થવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે કેમ કે નવા પ્રમુખની નિમણૂક થાય તો તેમને
સેટ’ થતાં સમય લાગી જાય અને ત્યાં સુધી ચૂંટણી આવી જાય તેમ હોવાથી વધુ એક ટર્મ માટે મુકેશ દોશીને રિપિટ કરવામાં આવી શકે તેવી ચર્ચા કમલમ્માં સાંભળવા મળી હતી.