સુવિધા બંધ ! સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર બંધ કરવા નોટિસ
પૂર્વ કેન્દ્રીય મંત્રીના ભાઈના મેડિકલ સ્ટોરના પાટિયા પડી જવાનું કાઉન્ટડાઉન શરૂ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્દ્રીય મંત્રીના ભાઈના સુવિધા મેડિકલ સ્ટોરની અવધિ પૂર્ણ થઇ ગઈ હોવા છતાં મેડિકલ સ્ટોર ગેરકાયદેસર રીતે ચાલી રહ્યો હોવાની રજુઆત છેક આરોગ્યમંત્રી સુધી પહોંચ્યા બાદ અંતે રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા કેન્દ્રીય મંત્રીના ભાઈને બે મેડિકલ સ્ટોર ખાલી કરી દેવા નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે.
રાજકોટની પંડિત દીનદયાળ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2012માં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભ કથીરિયાના ભાઇ છગન કથીરિયાને 3 વર્ષ માટે મેડિકલ સ્ટોર ચલાવવા માટે જગ્યા ફાળવવામાં આવતા અહીં સુવિધા મેડિકલ સ્ટોર શરૂ થયો હતો. જો કે, બાદમાં ટેન્ડરનો સમયગાળો પૂર્ણ થઇ જવા છતાં ટેન્ડર પ્રક્રિયા ન થતા ઉચ્ચ અધિકારીઓની મૌખિક સૂચનાથી મેડિકલ સ્ટોર ધમધમતો રહ્યો હતો. જો કે, વર્ષ 2020માં ફરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ કોરોના આવી જતા મામલો દબાઈ ગયો હતો.
બીજી તરફ કોરોના મહામારી ગયા બાદ પણ કોઈપણ જાતની ટેન્ડર પ્રક્રિયા વગર જ સિવિલમાં સુવિધા મેડિકલ સ્ટોર નામની દુકાન ચાલુ રહેતા ગાંધીનગર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સુધી ફરિયાદો પહોંચી હતી. નોંધનીય છે કે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજકોટની મુલાકાતે આવતા આ મુદ્દો ફરી ગરમાયો હતો અને હવે અંતે રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટની સહીથી સુવિધા મેડિકલ સ્ટોરને ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે. સુવિધા મેડિકલ સ્ટોરને નોટિસ મામલે ડો.મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે, ટેન્ડરની શરતો મુજબ મેડિકલ સ્ટોરના સંચાલકોને બે મહિનાની મુદત સાથે નોટિસ આપવામાં આવી છે.