કોણ બનશે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ? ૮મીએ ફેંસલો
ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૪ જાન્યુઆરી: ત્યારબાદ ૬એ સંકલન બેઠક, ૭એ પ્રદેશમાં ફોર્મ જમા કરાયા બાદ ૮એ પ્રમુખ જાહેર કરાશે
૬૦ વર્ષની વયમર્યાદાનો નિયમ શહેર પ્રમુખ માટે લાગુ નહીં પડે: બે ટર્મ પ્રમુખ રહી ચૂકેલાને રિપટ નહીં, પરિવારની કોઈ વ્યક્તિ હોદ્દા પર હશે તો તે ફોર્મ નહીં ભરી શકે
ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં જ વોર્ડ પ્રમુખની જાહેરાત કર્યા બાદ હવે શહેર ભાજપ પ્રમુખની નિમણૂક કરવા માટેની કવાયત પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ સહિત તમામ શહેરોના પ્રમુખનો નિર્ણય આઠ જાન્યુઆરીએ થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે તે પહેલાં પ્રમુખપદ માટેની દાવેદારીના માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા છે. ખાસ કરીને વોર્ડ પ્રમુખ માટે જે પ્રકારે વયમર્યાદા નક્કી કરવામાં આવી હતી તે નિયમ શહેર ભાજપ પ્રમુખ બનવા માટે લાગુ પડશે નહીં.

રાજકોટ મહાનગરના ચૂંટણી અધિકારી ડૉ.માયાબેન કોડનાનીના જણાવ્યા પ્રમાણે પ્રમુખની દાવેદારી કરનારા દાવેદારો માટે શરત રાખવામાં આવી છે જેમાં દરેક દાવેદાર વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ અને તે અંગેની માહિતી ફોર્મ સાથે જોડવી ફરજિયાત છે જેમાં સક્રિય સદસ્યતા પહોંચ, સક્રિય સદસ્યતા કાર્ડ, સક્રિય નંબર અને મહાનગર દ્વારા પ્રમાણિત પત્રનો સમાવેશ થાય છે. પ્રમુખ બનવા ઈચ્છુક કાર્યકરોએ મંડલ અધ્યક્ષ અથવા જિલ્લા-પ્રદેશ સ્તરે, જિલ્લા-પ્રદેશની ટીમ, પ્રકલ્પમાં કામ કરેલું હોવું ફરજિયાત છે. શહેર ભાજપ પ્રમુખ તરીકે મહિલા પણ દાવેદારી કરી શકશે. પરિવારમાં એક કાર્યકરને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે મતલબ કે પરિવારની કોઈ એક વ્યક્તિ હોદ્દા પર હોય તો બીજી વ્યક્તિ શહેર ભાજપ પ્રમુખ માટે ઉમેદવારી કરી શકશે નહીં. (બ્લડ રિલેશન પરિવાર તરીકે માતા-પિતા, ભાઈ, પુત્ર-પત્નીને ગણવાના રહેશે), જો શહેર ભાજપ પ્રમુખ સતત બે ટર્મ તરીકે જવાબદારીનું વહન કરી ચૂક્યા હોય તો તેમને રિપિટ કરવામાં આવશે નહીં.
શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદારી કરનાર વ્યક્તિ સામે કોઈ પ્રકારનો ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ સાથે સાથે પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં.
આ તમામ શરતોનું પાલન કર્યા બાદ ફોર્મ ભરી શકાશે. ફોર્મ મેળવવા તેમજ ભરવાની અંતિમ તારીખ ૪ જાન્યુઆરી સવારે ૧૦:૩૦થી બપોરે ૧:૩૦ સુધીની છે. આ ફોર્મ શીતલ પાર્ક પાસે આવેલા કમલમ્ કાર્યાલય પર જમા કરાવી શકાશે.
ચાર જાન્યુઆરીએ ફોર્મ આવી ગયા પાચ પાંચ જાન્યુઆરીએ સંકલન બેઠક મળશે જેમાં ચારેય મેયર, ધારાસભ્ય, બન્ને સાંસદ, પૂર્વ પ્રમુખ, મહામંત્રી સહિતના દ્વારા ફોર્મ સ્ક્રુટિની કરવા સહિતની તજવીજ હાથ ધરાયા બાદ સાત જાન્યુઆરી સુધીમાં પ્રદેશકક્ષાએ ફોર્મ સબમિટ કરાયા બાદ આઠ જાન્યુઆરીએ પ્રદેશ પ્રમુખની જાહેરાત કરાશે.