IND vs AUS : સિડની ટેસ્ટનો પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયાને નામ, કાંગારુની ધારદાર બોલિંગ સામે ભારતના ધુરંધરો ધ્વસ્ત, 185 રનમાં ઓલઆઉટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી છેલ્લી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમ પ્રથમ દાવમાં કાંગારુંઓની ધારદાર બોલિંગ સામે ભારતના ધુરંધરો ધ્વસ્ત થઈ ગયા હતા અને ટીમ 185 રનમાં સમેટાઈ ગઈ હતી. રોહિત શર્મા પણ આ મેચમાં નથી રમી રહ્યો, પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પણ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું . આ ઇનિંગ દરમિયાન રન રેટ પણ ઘણો ધીમો હતો. ભારતીય બેટ્સમેનોએ 72.2 ઓવર બેટિંગ કરી અને તમામ વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે સૌથી મોટી ઇનિંગ રમી હતી. તેણે 40 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે શાનદાર બોલિંગ કરી અને 4 વિકેટ લીધી.
સિડની ટેસ્ટનો પ્રથમ દિવસ કાંગારુના ઝડપી બોલરોના નામે રહ્યો હતો. દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 9 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ખ્વાજા 2 રન બનાવીને આઉટ થયો છે. જ્યારે સેમ કોન્સ્ટાસ 7 રન બનાવીને અણનમ છે.
આ મેચની વાત કરીએ તો રોહિત શર્માના મેચ ન રમવાના નિર્ણયને કારણે જસપ્રીત બુમરાહ ટોસ માટે આવ્યો હતો. તેઓએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. કેએલ રાહુલ બાદ યશસ્વી જયસ્વાલ સસ્તામાં આઉટ થયો હતો. આ પછી શુભમન ગિલ પણ લંચ પહેલા છેલ્લા બોલ પર આઉટ થઈ ગયો હતો. બીજા સેશનમાં ભારતે એક વિકેટ ગુમાવી હતી, જ્યારે વિરાટ કોહલી ચોથો-પાંચમો બોલ રમીને ફરી આઉટ થયો હતો. ભારતે ત્રીજા સેશનમાં તેની બાકીની 6 વિકેટ ગુમાવી દીધી હતી.
રિષભ પંતે આ ઇનિંગમાં 98 બોલમાં 40 રન બનાવ્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 26 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 20 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી 17 રન બનાવીને આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે 22 રનની ઇનિંગ રમી હતી, જે આ સિરીઝમાં ભારતીય કેપ્ટનની સૌથી મોટી ઇનિંગ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે 4 અને મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સને 2 અને નાથન લિયોને એક વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસના અંતે બેટિંગમાં આવવું પડ્યું કારણ કે ઓવર રેટ ખૂબ જ ધીમો હતો. ત્રણ સેશનમાં લગભગ 72 ઓવર જ રમાઈ હતી.