રાજકોટમાં ઈ-કેવાયસીએ ગતિ પકડી, અઠવાડિયામાં 1.53 લાખ થયા
જિલ્લામાં કુલ 37,83,837 રેશનકાર્ડ જનસંખ્યા સામે 13.68 લાખ વ્યક્તિના ઈ-કેવાયસી કમ્પ્લીટ
રાજકોટ : રાજ્યના રેશનકાર્ડ ધારકો માટે 31 ડિસેમ્બર સુધીમાં ઈ-કેવાયસી કરાવી લેવાની છેલ્લી મુદત પૂર્ણ થયા બાદ પણ હજુ સમગ્ર રાજ્યમાં માંડ 50 ટકા લોકોના ઈ-કેવાયસી થયા છે ત્યારે રાજકોટ જિલ્લામાં કલેકટરના પ્રયાસો બાદ ઈ-કેવાયસીની કામગીરીએ ગતિ પકડી હોવાના આંકડા સામે આવ્યા છે. તા.23 ડિસેમ્બર સુધીમાં જિલ્લામાં 12,14,648 લોકોના ઈ-કેવાયસી થયા હતા જેની સામે એક અઠવાડિયા જેટલા સમયમાં વધુ 1.53 લાખ ઈ-કેવાયસી પૂર્ણ થતા જિલ્લાનો આંકડો 13,68 લાખને પાર થયો છે.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ઈ-કેવાયસીની ઝુંબેશરૂપે કામગીરી શરૂ કરાવવામાં આવતા સારા પરિણામ મળ્યા છે. પુરવઠા વિભાગની ઢીલી નીતિ સામે જિલ્લા કલેકટર દ્વારા તમામ ઝોનલ ઓફિસોમાં તલાટી સહિતના સ્ટાફને કામે લગાડતા છેલ્લા એકાદ અઠવાડિયામાં જ રાજકોટ જિલ્લામાં 1,53,352 રેશનકાર્ડમાં સમાવિષ્ઠ લોકોના ઈ-કેવાયસી થયા છે જેથી જિલ્લામાં ઈ-કેવાયસીનો આંકડો હાલમાં 13.68 લાખ થયો હોવાનું તેમને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં કુલ 3,23,879 રેશનકાર્ડ ધારકો નોંધાયેલ છે જે તમામ રેશનકાર્ડની જનસંખ્યા 37,83,837 થાય છે જે પૈકી 13,68,000 રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસીની કામગીરી પૂર્ણ થતા હાલમાં જિલ્લામાં હજુ પણ 23,97,873 જનસંખ્યાનુ ઈ-કેવાયસી બાકી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, અગાઉ રેશનકાર્ડમાં આધારકાર્ડ મેપીંગમાં ક્ષતિઓ અને ગરબડ ગોટાળા થયા હોવાથી ઈ-કેવાયસીમાં વિલંબ થઇ રહ્યો હોવાનું તેમજ ઈ-કેવાયસી બાદ ભૂતિયા રેશનકાર્ડનો છેદ ઉડી જાય તેમ હોવાનું મનાઈ રહ્યું છે.