રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે આજે વધુ બે અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે. શહેરનો એસ. પી રીંગ રોડ આજે કાળમૂખો બન્યો હોય તેમ માત્ર ચાર કલાકની અંદર જ બીજો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જે જગ્યાએ દંપતીનું મોત નીપજ્યું છે તેના 500 મીટર દુર જ બીજો અકસ્માત સર્જાયો છે. જેમાં વિદ્યાર્થીને ટેમ્પોએ ટક્કર મારતા તે ઇજાગ્રસ્ત થયો હતો. બંને ઘટનાને લઈને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના એસ. પી રીંગ રોડથી 500 મીટર દૂર એક આઇસર લોડિંગ ટેમ્પોને ટક્કર મારતા ચાલકનું બેલેન્સ બગડતા ટેમ્પો સ્કૂલેથી સાયકલ પર પરત ફરતા ત્રણ મિત્રો સાથે ટકરાયો હતો. જેમાં પાછળથી ટક્કર વાગતા ત્રણેય વિદ્યાર્થીઓ બાજુના ખાડામાં પટકાયા હતાં. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થઈ છે, જ્યારે અન્ય બે વિદ્યાર્થીને નાની- મોટી ઈજાઓ પહોંથી છે અકસ્માત બાદ ઈજાગ્રસ્ત આઠ વર્ષીય અરણ પ્રજાપતિને 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.
દર્શન કરી પરત ફરતા પટેલ દંપતીને ટ્રકચાલકે કચડ્યું
અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક એક ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર દંપતિને 100 ફૂટ જેટલા ઢસેડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં મોતને ભેટનાર દંપતિ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની ઓળખ કાંતિભાઇ પટેલ અને દક્ષાબેન પટેલ તરીકે કરવામાં આવી છે. ટ્રક ડ્રાઇવરે જ્યારે અકસ્માત સર્જ્યો ત્યારે તે ફોન પર વાત કરી રહ્યો હોવાનું પણ હાજર લોકોએ જણાવ્યું હતું.
અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકો દોડી આવતાં ભારે ભીડ જામી હતી. જેના લીધે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવર નાસી ગયો હતો, જ્યારે પોલીસનું કહેવું છે કે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ અઠવાડિયામાં ત્રીજીવાર અકસ્માત સર્જાયો છે. અહીં સ્પીડબ્રેકર અને બમ્પ ન હોવાથી વારંવાર અકસ્માત સર્જાય છે.