ખિસકોલી, ઉંદર, શ્વાન અને સસલાંની પણ થાય છે સર્જરી…ને વેન્ટિલેટરથી અપાય છે નવા શ્વાસ…
પંચનાથ એનિમલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧ લાખથી વધુ અબોલ જીવોને મળી
વિનામૂલ્યે સારવાર:ઉંદરથી લઈ ઊંટ માટે એક્સ રે,સોનોગ્રાફી સહિતની આધુનિક
મેડિકલ સુવિધા: ૫૦૦૦ જેટલી સર્જરી અને ૮૦૦૦ પશુ-પંખીના એક્સ-રે થયાં
શ્વાનને કેન્સર,ખિસકોલી અને સસલાંના સિઝરીયન કરવામાં આવે છે તો ઉંદરને વાગ્યું તો તેનું પ્લાસ્ટર,મરઘીને પણ ફ્રેક્ચર આવ્યું હતું…..!!! આ મુકજીવોના મેડિકલ રિપોર્ટ પણ થાય છે… તો વેન્ટિલેટર પર રાખી નવા શ્વાસ અપાય છે અને તેના આધારે કઈ ટ્રીટમેન્ટ કરવી વેટરનરી ડોક્ટર નક્કી કરે છે.માણસોની જેમ જ અબોલજીવ બીમાર પડે છે કે તેમને પણ કોઈ ડીસીઝ થાય છે,ફરક ખાલી એટલો છે કે તેઓ કોઈને કઈ શકતાં નથી અને મુંગે મોઢે દર્દથી કણસતા રહે છે,જ્યારે તેમનું આ દર્દ લોકોની સારવાર કરતાં પંચનાથ હોસ્પિટલના સેવાભાવીઓ સુધી પહોંચ્યું અને તેમના આ દર્દને દૂર કરવા વર્ષ ૨૦૧૫ થી પંચનાથ એનિમલ હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે. એક વર્ષ દરમિયાન ૩૫ હજારથી વધુ પશુ પંખીઓની સારવાર પંચનાથ એનિમલ હોસ્ટેલમાં ટ્રસ્ટી દેવાંગભાઈ માંકડ, પ્રોજેક્ટ ચેરમેન મયુરભાઈ શાહ સહિત સભ્યોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે.
પંચનાથ એનિમલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં એક લાખ કરતાં પણ વધુ પશુઓની સારવાર કરવામાં આવી છે જેમાં મુખ્ય ડોગ,કેટ,બર્ડ્સ,સસલાં,કાચબા સહિતના પ્રાણીઓના નિદાન અને ત્યારબાદ થાય છે જરૂર પડે તો સર્જરી દ્વારા પણ તેમને રોગમાંથી મુક્ત કરે છે. અહીં અબોલ જીવો માટે વિનામૂલ્યે આરોગ્ય યજ્ઞ ચાલે છે. ૨૦૧૫ થી શરૂ કરેલી આ હોસ્પિટલમાં એક લાખથી પણ વધુ અબોલ જીવોની ઓપીડી થઈ છે. જ્યારે ૨૦૦૦ જેટલી મેજર સર્જરી, ૩૦૦૦ જેટલી માઇનર સર્જરી, ૮૦૦૦ જીવોના ઍક્સે રે, ૫૦૦ જેટલા ડોગને કેન્સરમાં કેમોથેરાપી અપાઈ છે.
ડિસેમ્બર મહિનામાં ૪૧૦ ડોગ, ૪૨૦ કેટ, ૪૩ બર્ડ્સ મળી કુલ ૯૧૧ મુકજીવ અને ૧૧ જેટલા પક્ષીઓના ઓપરેશન કરી તેમના જીવ બચાવાયા છે. તાજેતરમાં એક માદા શ્વાનની બ્રેસ્ટ સર્જરી અને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરીને નવજીવન અપાયું છે.ડો.વિવેક કલોલા અને તેમની ટીમ આ અબોલજીવોને પીડામાથી મુક્તિ અપાવી હતી.
ડોગમાં કેન્સરનું પ્રમાણ વધુ, ૫૦૦ જેટલા ડોગની કેમોથેરાપી કરાઈ
વેટરનરી ડોક્ટરના જણાવ્યા અનુસાર,ડોગમાં કેન્સરના કેસ વધુ આવે છે જેમાં ખાસ કરીને સર્વાઇકલ કેન્સર,વજાઈનલ કેન્સર, બેસ્ટ કેન્સર,સ્ટમક ટ્યુમર,સ્કિન કેન્સર જોવા મળે છે,ડોગમાં થતું ટીવીટી નામનું કેન્સર એ મેઈલ અને ફિમેલ ડોગ બંનેમાં થતું કેન્સર છે, પંચનાથ હોસ્પિટલમાં ૫૦૦ થી વધુ ડોગને કીમોથેરાપી આપવામાં આવી છે, આ ઉપરાંત સસલાઓને કેન્સરના ઓપરેશન કરવામાં આવ્યા છે.
ઉંદરને બોલપેનની રીફીલ રાખી પ્લાસ્ટર કર્યું, આખલાનો એક્સરે ૩ દિવસે થયો
ખાસ કરીને નાના પ્રાણીઓની સારવાર અને ઓપરેશન ખૂબ જ જટિલ હોય છે, ઉંદરને પગમાં ફ્રેક્ચર થયું હતું તો બોલપેન ની રિફિલ રાખીને પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું તો ખિસકોલીને પણ ફેક્ચર આવ્યું તો તેની સારવાર કરીને તેને ફરી એક વખત ઉછરકુદ કરતી કરવામાં આવી છે,આખલાનો એક્સ રે ત્રણ દિવસની મહેનત બાદ તેને કંટ્રોલ કરીને કરવામાં આવ્યો હતો, આ ઉપરાંત ઊંટને ખુંધમાં રસી થતા તેની સારવાર ૧૫ દિવસ સુધી ચાલી હતી.