સદાબહાર એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં 1.60 લાખથી વધુ દસ્તાવેજ નોંધાયા
ગુજરાત સરકારને દસ્તાવેજ નોંધણી થકી 932 કરોડથી વધુની આવક નોંધાઈ
રાજકોટ : રાજકોટ શહેર અને જિલ્લામાં તેજી-મંદીની વાતો વચ્ચે વીતેલા એક વર્ષમાં 1,60,973 દસ્તાવેજની નોંધણી થઇ છે, જેમાં સૌથી વધુ દસ્તાવેજ રાજકોટના સદાબહાર ગણાતી મોરબી રોડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા હતા અને સૌથી ઓછા દસ્તાવેજની નોંધણી વિછિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં થઇ હતી. જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન રાજકોટ જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી થકી સરકારને 932 કરોડ 30 લાખ 43 હજાર 212 રૂપિયાની આવક થઇ છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં વીતેલા વર્ષ 2024ના જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન જુદી -જુદી 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં કુલ મળી 1,60,973 દસ્તાવેજની નોંધણી થઇ હતી જેમાં સૌથી વધુ 19,883 દસ્તાવેજ મોરબી રોડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા હતા. જેના થકી સરકારની તિજોરીને 114 કરોડ10 લાખ 22 હજાર 599 રૂપિયાની આવક થઈ હતી. બીજી તરફ જિલ્લામાં સૌથી ઓછા દસ્તાવેજ વિછિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા હતા. અહીં વર્ષ 2024 દરમિયાન માત્ર 956 દસ્તાવેજની નોંધણી થઇ હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.
ડિસેમ્બર મહિનામાં 13255 દસ્તાવેજ નોંધાયા
રાજકોટ જિલ્લામાં દર મહિને સરેરાશ 9 હજારથી વધુ દસ્તાવેજની નોંધણી થાય છે ત્યારે નવા જંત્રી દર અમલી બનાવના હાઉ વચ્ચે વર્ષ 2024ના અંતિમ મહિનામાં ડિસેમ્બર માસ દરમિયાન જિલ્લામાં 13,255 દસ્તાવેજ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ રાજકોટ મવડી રોડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં 1554 દસ્તાવેજ નોંધાયા હતા જયારે બીજા ક્રમે ગોંડલમાં 1325, મવડીમાં 1275 અને રાજકોટ રતનપર સબ રજિસ્ટ્રારમાં 995 સહિત કુલ 18 કચેરીઓમાં 13,255 દસ્તાવેજની નોંધણી થઇ હતી. ડિસેમ્બર મહિનામાં સરકારની તિજોરીમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી રૂપે રૂ.80, 87, 38, 496ની આવક થઇ હતી.
સૌથી વધુ દસ્તાવેજ નોંધનાર ટોપટેન કચેરી
મોરબી રોડ – 19883
મવડી- 15452
ગોંડલ – 15104
કોઠારીયા – 12480
રૈયા – 12214
રતનપર – 11729
રાજકોટ-1 10426
લોધીકા – 9881
મવા – 9516
રાજકોટ રૂરલ – 9434