રાજકોટ તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગનો પ્લાન આર.એમ.સીમાં મંજૂરી માટે મોકલાયો
હાલ કચેરીની હાલત જર્જરિત: રૂ.7.60 કરોડના ખર્ચે 5 માળનું બનશે નવું બિલ્ડિંગ
રાજકોટ તાલુકા પંચાયત કચેરી જર્જરિત બની છે ત્યારે તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. અંદાજે રૂ.7.60 કરોડના ખર્ચે તાલુકા પંચાયતની નવી બિલ્ડિંગ બનશે. જે માટેની પ્રક્રિયા ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ તાલુકા પંચાયત કચેરીમાં અંદાજે 20 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. હાલ છેલ્લા કેટલાક વર્ષોથી તાલુકા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત બન્યું છે. તાલુકા પંચાયત કચેરીની દિવાલોમાંથી પ્લાસ્ટર ઊખડી ગયું હોય, તો વળી બિલ્ડિંગની કેટલીક દિવાલોની ઈંટો દેખાતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ત્યારે તાલુકા પંચાયત નવું બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંગે ટીડીઓ એન. એમ. તરખાલાએ જણાવ્યું હતું કે, તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગ રૂ.7.60 કરોડનું બજેટ છે. નવા બિલ્ડિંગ માટેના પ્લાનની ફાઇલ આર.એમ.સી.માં મંજૂરી અર્થે મોકલાઈ છે. પ્લાન મંજૂર થયા બાદ ગાંધીનગર ખાતે ફાઇલ મોકલવામાં આવશે અને ત્યાંથી મંજૂરી મળ્યા બાદ કામ શરૂ કરવામાં આવશે.
તાલુકા પંચાયતનું નવું બિલ્ડિંગ પાંચ માળનું બનશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 4 માળ હશે. હાલ જે બિલ્ડિંગ છે તે 1500 વાર જગ્યામાં ફેલાયેલું છે. નવા બિલ્ડિંગ માટે હાલ જે જગ્યાએ તાલુકા પંચાયત છે તે સિવાય સિટીમાં અન્ય વિસ્તારમાં નવી જગ્યા મળવી મુશ્કેલ છે. માટે હાલની જગ્યામાં જ નવી કચેરી બનશે. મહત્વનું છે, તાલુકા પંચાયત કચેરીમાં રોજના 200 જેટલા અરજદારો આવે છે જ્યારે 20 જેટલા કર્મચારી ફરજ બજાવે છે. ત્યારે તેમના ઉપર જોખમ રહેલું છે.