ઠંડી ‘માપસર’ રહેતાં ઉજવણીમાં ઔર મોજ પડી શહેરની તમામ હોટેલ-રેસ્ટોરન્ટસ ચીક્કાર
અનેક ઉતાર-ચડાવથી ભરપૂર એવું ૨૦૨૪નું વર્ષ પૂર્ણ થઈ ગયું છે ત્યારે દરેક વર્ષના છેલ્લા દિવસને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા માટે જાણીતા રાજકોટમાં વર્ષના છેલ્લા દિવસને મન ભરીને માણવામાં આવ્યો હતો.
આ વર્ષે પ્રમાણમાં ન્યુ યર પાર્ટીના આયોજન ઓછા થયા હતા પરંતુ જેટલા પણ થયાં ત્યાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
એકંદરે ઠેર-ઠેર ડાન્સ વિથ ડીનરના આયોજન હોવાને કારણે શહેરમાં રાત પડી’ને દિવસ ઉગ્યા જેવો માહોલ જોવા મળ્યો હતો. અમુક અમુક સ્થળ ઉપર તો ૨૦૨૫ની પ્રથમ કિરણ સુધી ઉજવણી ચાલી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. ખાસ કરીને ઠંડી માપસર' રહેતાં લોકોને ઉજવણી કરવામાં ઔર મોજ પડી હતી.
જૂના વર્ષના છેલ્લા દિવસે ઘરમાં રસોઈ બનાવીને જમે તો એ રાજકોટીયન્સ ન કહેવાય એટલા માટે જ મહત્તમ પરિવારો ખાણીપીણીની જ્યાફત ઉડાવવા માટે હોટેલ-રેસ્ટોરન્ટ ઉપર ઉમટી પડતાં દરેક સ્થળે ચીક્કાર જેવો માહોલ જોવા મળ્યો હતો. થર્ટી ફર્સ્ટ હોય એટલે છાંટોપાણી કરવાની વણલખી પરંપરા વર્ષોથી ચાલી આવતી હોય પોલીસ દ્વારા આ વર્ષે ખાસ્સી
દાબ’ રાખવામાં આવી હતી. પોલીસ કમિશનર દ્વારા તમામ બ્રાન્ચ જેમાં ડીસીબી, પીસીબી, એલસીબી, એસઓજી તેમજ તમામ પોલીસ મથકના સ્ટાફને સઘન ચેકિંગ કરવાનો આદેશ આપતાં ૧૫૦૦થી વધુના સ્ટાફે મહત્ત્વના નાકા દબાવી દઈને ચેકિંગ શરૂ કર્યું હતું અને જેવા છાંટોપાણી કરેલા પકડાય એટલે તેમની ખો ભૂલાવી દેવામાં આવી હતી. રાજકોટ અને ટ્રાફિકજામને વર્ષો જૂનો સંબંધ હોય થર્ટી ફર્સ્ટે ઠેર-ઠેર ટ્રાફિકજામના વરવા દૃશ્યો પણ જોવા મળ્યા હતા.