૨૦૨૫નાં પહેલા દિવસે વિશ્વની વસતિ ૮.૦૯ અબજ
2024માં પૃથ્વી ઉપર ૭૧ લાખ લોકોનો થયો વધારો
1.41 અબજની વસતિ સાથે ભારત સૌથી વધુ વસતિ ધરાવતો દેશ
જાન્યુઆરી મહિનામાં દર સેકન્ડે વિશ્વભરમાં આશરે 4.2 જન્મ અને 2.0 મૃત્યુની ધારણા
આજે તા. ૧લીને બુધવારથી ૨૦૨૫નું વર્ષ શરુ થઇ ગયુ છે અને આજે વિશ્વની વસતિ આજે ૮.૦૯ અબજ સુધી પહોંચશે તેવો અંદાજ સામે આવ્યો છે. અમેરિકી સેન્સસ બ્યુરોના અંદાજ મુજબ, 2024માં 71 લાખથી વધુ લોકોનો વધારો થયા બાદ, 1 જાન્યુઆરી, 2025ના રોજ વિશ્વની વસતિ 8.09 અબજ સુધી પહોંચવાનો અંદાજ છે. 2024 માં, ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હતો, જેની અંદાજિત વસતિ 1.41 અબજ હતી.

અમેરિકી સેન્સસ બ્યુરોએ આપેલી માહિતી પ્રમાણે આજે નવા વર્ષના પહેલા દિવસે વિશ્વની વસતિ ૮,૦૯૨,૦૩૪,૫૧૧ થઇ છે. જાન્યુઆરી 2025 ના મહિના દરમિયાન વિશ્વભરમાં દર સેકન્ડે લગભગ 4.2 જન્મ અને 2.0 મૃત્યુની અપેક્ષા છે.સેન્સસ બ્યુરોના ડેટા મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા મહિને દર 9 સેકન્ડે એક જન્મ અને દર 9.4 સેકન્ડે એક મૃત્યુ થવાની ધારણા હતી.
જુલાઈ 2024 સુધીમાં, ભારત વિશ્વમાં સૌથી વધુ વસતિ ધરાવતો દેશ છે, જેની અંદાજિત વસ્તી 1,409,128,296 લોકો (141 કરોડની નજીક) છે. ભારત પછી ચીન છે, જ્યાં 1,407,929,929 લોકો (અંદાજે 140.8 કરોડ) છે. ત્રીજા નંબરે અમેરિકા છે, જેની વસતિ નવા વર્ષના દિવસે 341,145,670 હોવાનો અંદાજ છે, જે વાર્ષિક 2,640,171 લોકો (0.78%) નો વધારો દર્શાવે છે.
