માલદીવના પ્રમુખ મુઇઝુને ઉથલાવવાના કથિત કાવતરામાં ભારતનું નામ ઉછળ્યું
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં આંગળી ચીંધવામાં આવી
માલદીવના ચીન તરફી અને ભારત વિરોધી પ્રમુખ મોહમ્મદ મુઇઝુની સરકારને ઉથલાવવાના માલદીવની વિપક્ષી પાર્ટીના કથિત કાવતરાના તાર ભારત સાથે સંકળાયેલા હોવાનો વોશિંગ્ટન પોસ્ટે ધડાકો કર્યો હતો.

‘ ડેમોક્રેટિક રીન્યુઅલ ઈનીશીએટીવ ‘ નામના એક ગુપ્ત દસ્તાવેજનો હવાલો આપી વોશિંગટન પોસ્ટે આપેલા અહેવાલમાં જણાવ્યા અનુસાર મુખ્ય વિપક્ષ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીએ મોહમ્મદ મુઇઝુ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાનું આયોજન કર્યું હતું.
એ માટે મુઈઝુની ખુદની પાર્ટીના સાંસદો સહિત કુલ 40 સાંસદો, કેટલાક મિલિટરી અને પોલીસ અધિકારીઓ તથા ત્રણ ક્રિમિનલ ગેંગને લાંચ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને એ કાવતરું પાર પાડવા માટે ભારત પાસે 60 લાખ ડોલર ( 87 મિલિયન માલદિવિયન રૂપિયા ) ની માંગણી કરવામાં આવી હતી.
અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતની જાસુસી સંસ્થા ‘ રો ‘ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ મુઇઝુને પદ ભ્રષ્ટ કરવાની સંભાવના ચકાસવા વિપક્ષના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. જો કે મહિનાઓની કવાયતના અંતે પણ મહાભિયોગ પ્રસ્તાવની તરફેણમાં બહુમતી સાંસદોને એકત્ર કરવામાં નિષ્ફળતા મળ્યા બાદ એ યોજના પડતી મુકાઈ હતી. જો કે એક કથિત કાવતરાંને દિલ્હીથી ઉચ્ચસ્તરેથી મંજૂરી મળી હતી કે નહીં તે અંગે આ અહેવાલમાં કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.
બીજી તરફ માલદેવના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદે આવું કોઈ કાવતરું ઘડાયું હોવા અંગે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે ભારત કદી આવી વાતમાં પડે નહીં. આવું કોઈ ષડયંત્ર થયું હોવાના દાવાને તેમણે ફગાવી દીધો હતો.
