'રાજકોટ ક્રાઈમ રિપોર્ટ' ૧ વર્ષમાં ૩૩ હત્યા, ખૂનના ૩૭ પ્રયાસ: ૯૩ મહિલા-બાળકીની લૂંટાઈ ‘આબરૂ’
૨૦૨૪નું આખું વર્ષ ‘ધગધગતું' જ રહ્યું...
કિંમતી મત્તા, વાહન, મોબાઈલ, પરચુરણ સહિત ચોરીના ૪૮૧ બનાવ: ૧૯૬ સ્થળે બેફામ મારામારી, અકસ્માતમાં ૧૫૧ લોકોએ ગુમાવ્યા જીવ
૮૦થી વધુ અપહરણ તો લૂંટના ૧૪ બનાવ પેટા: હત્યા માટે થોરાળા ઉપરાંત યુનિવર્સિટી અને આજીડેમ પોલીસ મથક રહ્યા સૌથી
‘ગરમ’
૨૦૨૪નું વર્ષ પૂર્ણ થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે એક વર્ષ દરમિયાન રાજકોટમાં અનેક એવી ઘટનાઓ બની છે જે કદાચ ધારીએ તો પણ ભૂલી શકીએ તેમ નથી. નાનામવામાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ રાજકોટની અત્યાર સુધીની સૌથી ગોઝારી ઘટના ગણી શકાય. આ સિવાય ક્રાઈમની દૃષ્ટિએ પણ રંગીલું રાજકોટ આખું વર્ષ ધગધગતું' રહેવા પામ્યું હતું.
વોઈસ ઓફ ડે’ દ્વારા વર્ષના અંતિમ દિવસે મતલબ કે ૩૧ ડિસેમ્બરે રાજકોટ ક્રાઈમ રિપોર્ટ' રજૂ કરવામાં આવ્યો છે જેમાં ગુનાખોરી કેટલી રહેવા પામી છે તેની આંકડાકીય માહિતી પ્રસ્તુત છે. આ પ્રમાણે જોવા જઈએ તો રાજકોટમાં એક વર્ષની અંદર ૩૩ લોકોની હત્યા થવા પામી હતી. જ્યારે ૩૭ બનાવ હત્યાના પ્રયાસના પોલીસ ચોપડે નોંધાયા હતા. એક બાજુ સરકાર ગુજરાતમાં મહિલાઓ-બાળકીઓ
સુરક્ષિત’ હોવાના બણગા ફૂંકી રહી છે ત્યારે બીજી બાજુ વાસ્તવિક્તા કંઈક ઔર જ બયાન કરી રહી હોય તેમ રાજકોટની અંદર દર મહિને દુષ્કર્મના આઠ બનાવ નોંધાવા પામ્યા છે. પોલીસ પાસેથી મળેલી સત્તાવાર વિગત પ્રમાણે ૨૦૨૪ના વર્ષમાં ૯૩ મહિલા તેમજ બાળકીની આબરૂ લૂંટાઈ હતી !!
પોલીસને સૌથી વધુ દોડાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો તે તસ્કરો અને લૂંટારાઓએ કર્યું હતું. એક વર્ષની અંદર અલગ-અલગ પોલીસ મથકમાં કિંમતી માલસામાન, રોકડ ઉપરાંત વાહન, મોબાઈલ તેમજ પરચુરણ સામાનની ચોરી થવા પામી હતી તો ૧૪ સ્થળે લૂંટના બનાવ બન્યા હતા. ભલે પોલીસ આ પૈકીના અનેક ગુના ઉકેલવામાં સફળ થઈ હોય પરંતુ જે પ્રકારના આંકડા છે તે જોતાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે તસ્કરો-લૂંટારાઓને પોલીસનો કોઈ જ ખૌફ રહ્યો નથી.
આ જ રીતે અપહરણના બનાવ પણ ચિંતાજનક રહેવા પામ્યા હોય તેવી રીતે ૮૦થી વધુ ગુના પોલીસ ચોપડે નોંધાયા હતા. હત્યાના બનાવ માટેની વાત કરવામાં આવે તો આજીડેમ, યુનિવર્સિટી અને થોરાળા પોલીસ મથક આ મુદ્દે સૌથી `ગરમ’ રહ્યા હતા.
પોલીસ કમિશનર, અધિક પો.કમિશનર, ડીસીપી ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પીઆઈની રાતોરાત બદલી
રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને ડીસીપી સુધીર દેસાઈની રાતોરાત બદલીનો હુકમ સરકાર દ્વારા કરવામાં આવતાં પોલીસ વિભાગ સ્તબ્ધ બની ગયો હતો. આ ત્રણેય અધિકારીઓને ઘણા સમય સુધી પોસ્ટીંગ વગર રાખ્યા બાદ થોડા મહિના અગાઉ જ પોસ્ટીંગ અપાયું હતું. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજાની રાતોરાત થયેલી બદલી પણ ચર્ચામાં રહી હતી. આ બદલી અચાનક શા માટે કરવામાં આવી તે રહસ્ય હજુ પણ અકબંધ છે.
પોલીસ પણ રહી એક નહીં અનેક વિવાદમાં…
૨૦૨૪ના વર્ષમાં રાજકોટ પોલીસના નામે અનેક ડાઘ લાગ્યા હતા. સૌથી પહેલાં વાત કરીએ તો ગેઈમ ઝોન અગ્નિકાંડમાં બેદરકારી રાખવા બદલ પીઆઈ વી.આર.પટેલ તેમજ એન.વાય.રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફરજમાં લાપરવાહી, પૈસાની લેતીદેતી સહિતના વિવાદાસ્પદ કારણોસર અનેક કોન્સ્ટેબલની આંતરિક તેમજ જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. માલવિયાનગર પોલીસ મથકમાં આરોપીને માર માર્યા બાદ ઘેર જઈને થયેલા મૃત્યુને કારણે એએસઆઈ અશ્વિન કાનગડ સામે નોંધાયેલો ગુનો પણ ખાસ્સો ચર્ચિત રહ્યો હતો. આ ઉપરાંત પોલીસ મથક ઉપર કંટ્રોલ નહીં રાખી શકનારા અનેક પીઆઈને બદલવાનો હુકમ પણ ચર્ચાની એરણે ચડ્યો હતો.
એસીબીએ કર્યા ૩૦થી વધુ ‘શિકાર'
એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)નું નામ પડે એટલે ભ્રષ્ટ કર્મચારી-અધિકારીના હાજા ગગડી જતાં હોય છે ત્યારે રાજકોટ એસીબી માટે ૨૦૨૪નું વર્ષ એકદમ સફળ રહ્યું હોય તેમ ૩૦થી વધુ
શિકાર’ કરીને ડંકો વગાડી દીધો હતો. એસીબીની સૌથી ચર્ચિત ટે્રપ મહાપાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને લઈને રહી હતી. મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં જ એસીબીએ છટકું કોઠવીને મારૂને પકડી પાડ્યો હતો. આ ઉપરાંત રેસકોર્સ રિંગરોડ પર મુંબઈના માટુંગાના પીઆઈ પાગર વતી ૧૦ લાખની લાંચ લેતાં વચેટિયાનો પકડ્યો તે ટે્રપે પણ આખા ગુજરાતમાં ચર્ચા જગાવી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલની સાતથી વધુ રેડ…!
અત્યારે ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીથી ગુનેગારો તો ઠીક પરંતુ ખુદ પોલીસ કર્મચારીઓ પણ ફફડી રહ્યા છે ત્યારે સોમવારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એરપોર્ટ પોલીસ મથકની હદમાંથી જુગારધામ પકડવા ઉપરાંત ૨૦૨૪ના વર્ષ દરમિયાન રાજકોટ શહેરમાં સાતથી વધુ રેડ પાડી સ્થાનિક પોલીસની બેદરકારીને છતી કરી દીધી હતી. એસએમસી દ્વારા જુગારધામ, દારૂની હેરાફેરી સહિતની ગુનાહિત પ્રવૃત્તિ પકડવામાં આવી હતી.
૫૦૦થી વધુ લોકોએ કર્યો આપઘાત
આ વર્ષે રાજકોટમાં ૫૦૦થી વધુ લોકોએ આપઘાત કર્યો હોવાની સત્તાવાર વિગતો સાંપડી છે. આ આંકડો ઘણો જ મોટો અને ચિંતાજનક હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. આપઘાત પાછળ સૌથી મોટું કારણ જો કોઈ હોય તો તે આર્થિક તંગી રહ્યું હતું. આ ઉપરાંત ગૃહકંકાસ, ભણતરનો ભાર તેમજ પ્રેમમાં મળેલો દગો પણ મૃત્યુ સુધી માણસને દોરી ગયો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ૨૦૨૫ના વર્ષમાં આ આંકડો સાવ શૂન્ય થઈ જાય તેવી કામના કરવી ઘટે…
ગેઈમ ઝોન અગ્નિકાંડના પીડિતો હજુ ન્યાયની રાહમાં…
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ ૨૫મેએ સર્જાયો હતો. આ ઘટનાને સાત મહિના વીતી ગયા છતાં હજુ સુધી પીડિતોએ જેવી ધારણા કરી હતી તેનો ન્યાય મળી શક્યો નથી. આ ઘટના બાદ જેટલા સરકારી અધિકારીઓની બદલી કરાઈ તેઓ અત્યારે ફરી ફરજ પર ચડી ગયા છે જ્યારે સસ્પેન્ડ થયેલા હજુ ઘેરબેઠા અડધો પગાર મેળવી રહ્યા છે. આ ઘટના એટલી ગોઝારી હતી કે એક સમયે આરોપીઓને કડકમાં કડક સજા મળશે તેવું લાગી રહ્યું હતું પરંતુ હજુ સુધી કોઈ જ ગતિ આ કેસમાં આવવા પામી નથી.
નવા વર્ષે લોકોને પોલીસ પાસે શું અપેક્ષા ?
- તોછડાઈપૂર્વક જવાબ આપવાની જગ્યાએ શાંતિપૂર્વક સમજણ અપાય
- નાની હોય કે મોટી ફરિયાદ તુરંત લેવાય
- બનાવ બને અને પોલીસ મથક અથવા કંટ્રોલરૂમમાં ફોન જાય એટલે બને એટલી ઝડપથી સ્થળ પર પહોંચાય
- ખાસ કરીને ટ્રાફિક પોલીસ-વોર્ડન દ્વારા દંડ ઉઘરાવાની સાથે ટ્રાફિક નિયમન પર ધ્યાન અપાય
- અરજદારો સાથે સમયસર મુલાકાત કરી તેમની રજૂઆત સંભળાય
- વ્યાજખોરો સામે કડક હાથે કામ લેવાય
- બિન્દાસ્તપણે દારૂનું વેચાણ કરતાં બૂટલેગરો સામે આકરી કાર્યવાહી થાય
- ઉચ્ચ અધિકારીઓ માત્ર ચેમ્બરમાં જ ન બેસી રહે, બલ્કે ફિલ્ડમાં પણ નીકળે
- લોકોને પોલીસ મથકનું પગથીયું ચડતાં ડર ન લાગે તેવો માહોલ ઉભો થાય
- અન્ય શહેરોની માફક `પોલીસ પ્રજાનો મિત્ર છે’નું સૂત્ર સાર્થક થાય…