ભારતવંશી સોફ્ટવેર એન્જિનિયરના માતાએ એફબીઆઈ દ્વારા તપાસની માંગણી કરી
“મારા પુત્રએ આપઘાત નહોતો કર્યો, તેની ઠંડે હત્યા કરવામાં આવી હતી”
ઓપન એઆઇ ના ભૂતપૂર્વ કર્મચારી અને વ્હિસલ બ્લોઅર ભારતવંશી સોફટવર એન્જિનિયર સુચિર બાલાજી નું મૃત્યુ એ આપઘાતની નહીં પણ હત્યાની ઘટના હતી તેવા આક્ષેપ સાથે તેની માતા પૂર્ણિમા રામારાવે એ બનાવની FBI દ્વારા તપાસની માંગણી કરી હતી.તેમની આશંકા સાચી હોવાની એલોન મસ્ક એ પણ સંભાવના દર્શાવતા મામલો ગંભીર બની ગયો છે.
26 વર્ષના સુચિરની લાશ તા.26 નવેમ્બરના રોજ તેના સન ફ્રાન્સિસ્કો ખાતેના એપાર્ટમેન્ટમાંથી મળી આવી હતી.પોલીસે એ ઘટના આપઘાતની હોવાનું જાહેર કરી તપાસનું ફિંડલું વાળી દીધું હતું.
જોકે સુચિરના પરિવારજનો એ વાત સ્વીકારવા તૈયાર નથી.તેના પિતા બાલાજી રામ મૂર્તિના જણાવ્યા મુજબ તેમણે 22 નવેમ્બરના રોજ તેમના પુત્ર સાથે 15 મિનિટ વાત કરી હતી. સુચીરે લોસ એનજેલસમાં થનારી તેના જન્મદિવસની ઉજવણીની વાત કરી હતી અને ફોટા પણ મોકલ્યા હતા. તેમણે કહ્યું કે ખૂબ ખુશ હતો. તેણે આપઘાત કરવો પડે તેવું કોઈ કારણ નહોતું.
સૂચિરના પરિવારે આ ઘટનાની તપાસ માટે ખાનગી ડિટેક્ટિવ રોક્યા હતા. ઉપરાંત મૃતદેહનું બીજી વખત પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. સૂચિરના માતા ના કહેવા મુજબ બીજી વખતના પોસ્ટમોર્ટમમાં તેમના પુત્રનું મૃત્યુ આપઘાતને કારણે થયું હોવાની થિયરીને સમર્થન નહોતું મળ્યું.
તેમના કહેવા મુજબ તેમના પુત્રના ફ્લેટમાં તોડફોડ કરવામાં આવી હતી. બાથરૂમમાં ઘર્ષણ થયાના પુરાવા મળ્યા હતા. તેમના પુત્રને માથામાં ઇજા પહોંચાડવામાં આવી હોય તેવા નિર્દેશ કરતા દિવાલ ઉપર રક્તના નિશાન પણ મળ્યા હતા. તેમણે તેમના પુત્રની ઠંડે કલેજે હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.. તેમણે એફબીઆઈની તપાસની માગણી કરતા કહ્યું કે અમારી સામે ગમે તેટલી શક્તિશાળી લોબી હોય, અમે સત્ય બહાર લાવીને જ રહીશું.
તેમણે X ઉપર ટ્વીટ કર્યા બાદ એલોન મસ્કે ‘ એ ઘટના આપઘાતની હોય તેમ નથી લાગતું ‘ એવો પ્રતિભાવ આપ્યો હતો.નોંધનીય છે કે સૂચિર ઓપન એઆઇ માં ચેટ જીટીપી પ્રોજેક્ટમાં ફરજ બજાવતો હતો. તેણે ચેટ જીટીપી એ આઈ મોડેલ ની ટ્રેનિંગમાં ઓપન એઆઇ દ્વારા કૉપિરાઇટ નો ભંગ થયો હોવાનો આક્ષેપ કરી બાદમાં રાજીનામું આપી દીધું હતું.