કેન્દ્ર દ્વારા રચાયેલી હાઈ પાવર કમિટીએ કરી ભલામણ : ટાઉન પ્લાનિંગ માટે સિવિલ સર્વિસ જેવી કેડર બનાવવા સૂચન
કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી હાઈ પાવર કમિટીની ભલામણો જો માનવામાં આવશે તો દેશના જુદા જુદા શહેરોમાં પગપાળા ચાલનારા અને સાયકલ ચલાવનારાને પુરતો ન્યાય આપવામાં આવશે. ૨૦૨૨નાં બજેટ બાદ કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી હાઈ પાવર કમિટીએ સરકારને જે ભલામણો કરી છે તેમા આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સાબરમતિ રીવર ફ્રન્ટ વિકાસ નિગમના ચેરમેન કેશવ વર્માના વડપણ હેઠળની આ કમિટીએ જે ભલામણ કરી છે તેમાં પદયાત્રીઓ અને સાયકલ ચાલકોને પરિવહનની વ્યાખ્યામાં સામેલ કરીને મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કરવાનો સમાવેશ થાય છે.
કમિટીએ જે રીપોર્ટ સોંપ્યો છે તેમાં સ્પષ્ટ કહેવાયુ છે કે, રસ્તાની યોજનાઓ માત્ર કાર ચાલક ઉપર કેન્દ્રિત કરવાની સાથેસાથે સલામત રીતે પગપાળા ચાલવાની જગ્યાઓ ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે. આ કમિટીએ કામ ધંધાના સ્થળોએ પગપાળા જવાની સંસ્કૃતિ વિકસાવવા પણ ભલામણ કરી છે.
આ કમિટીએ એવી પણ ભલામણ કરી છે કે, દેશમાં ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસની જેમ જ અખિલ ભારતીય નાગર નિયોજન સેવાની સ્થાપના પણ કરવી જોઈએ.
દેશમાં પગપાળા ચાલનારા લોકો માટે ચાલવાના અધિકારને લાગુ કરનાર પંજાબ પહેલું રાજ્ય છે. આ નિયમો અનુસાર જ્યાં જ્યાં રોડ બને છે ત્યાં પગપાળા ચાલનારા માટે અને સાયકલ ચલાવનારા માટે ખાસ જોગવાઈ રાખવામાં આવે છે. કર્ણાટકમાં પણ આવા નિયમો બન્યા છે અને રાજસ્થાનમાં તેની આંશિક શરૂઆત થઇ ગઈ છે.
મેટ્રો રેલ અંગે કમિટીએ કહ્યું છેકે, ૫૦ લાખની વસતિ ધરાવનારા શહેરોમાં જ મેટ્રો રેલ સેવા શરુ કરવી જોઈએ.
શું છે હકીકત…
- ૨૦૨૩માં પગપાળા જઈ રહેલાં ૩૫,૦૦૦ લોકો દુર્ઘટનામાં મોતને ભેટ્યા
- ૯૯ ટકા પગપાળા ચાલનારને ઈજા થવાનું જોખમ રહે છે
- ૫૭ ટકા પગપાળા ચાલનારા લોકો સાથે દિવસના ભાગે દુર્ઘટના થાય છે
- ૫૭ ટકા પગપાળા ચાલનારા ૪૫ વર્ષથી ઓછી વયના લોકો મોતને ભેટ્યા