બેવકૂફીની હદ હોય છે, પંતે ડ્રેસિંગ રૂમમાં જવું જ ન જોઈએ !!
`સ્કૂપ’ શોટ રમવાના ચક્કરમાં વિકેટ ગુમાવી બેસતાં ગાવસ્કર ભડક્યા
મેલબર્નમાં ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે જેમાં ભારતે ત્રીજા દિવસે સારું એવું કમબેક કર્યું હતું. આ મેચમાં પંત ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. પંતે જે રીતે મફતમાં વિકેટ આપી તેને જોઈને પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર ગુસ્સાથી લાલચોળ થઈ ગયા હતા. તેમણે પંતને બેવકૂફ ગણાવ્યો હતો. પ્રથમ ઈનિંગમાં પંત ૨૮ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બોલેન્ડની બોલિંગમાં સ્કૂપ શોટ રમવાના ચક્કરમાં પંતે પોતાની વિકેટ ગુમાવી હતી.

ગાવસ્કરે પંતને સ્ટુપિડ કહીને સંબોધિત કર્યો હતો. આ શબ્દનો તેણે ત્રણ વખત ઉપયોગ કર્યો હતો. પંતે બોલેન્ડના ફુલ લેન્થ બોલ પર વિકેટકિપર એલેક્સ કૈરીની પાછળ સ્કૂપ શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટ પર સરખી રીતે ન આવતાં થર્ડ મેન પર ઉભેલા નાથન લાયને કેચ પકડી લીધો હતો. ગાવસ્કરે કહ્યું કે જ્યારે ટીમને તમારી જરૂર હોય ત્યારે તમે આ રીતે વિકેટ ન આપી શકો. આ તમારી નેચરલ ગેમ નથી. તમે ટીમને નિરાશ કરી છે. તમારે ડે્રસિંગ રૂમમાં જવું જ ન જોઈએ !