આવાસ યોજનાનો ફ્લેટ ભાડે લઈ જુગારક્લબ શરૂ કરી દીધી
વાર-પરબે ચેકિંગ કરી સંતોષ માની લેતી મહાપાલિકાની કામગીરી સામે સવાલ: રજાનો લાભ લઈ જુગાર ખેલતાં છને પકડી પાડતી ડીસીબી
રાજકોટમાં જરૂરિયાતમંદ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ વિસ્તારમાં આવાસ યોજના બનાવવામાં આવી છે. ડ્રો મારફતે ફ્લેટ લાગ્યા બાદ અનેક લોકો એવા હોય છે ત્યાં રહેવાની જગ્યાએ ભાડે આપી દેતાં હોય ફ્લેટનો દુરુપયોગ થાય છે. આવી જ એક કારસ્તાન સામે આવ્યું છે જ્યાં એક શખ્સે આવાસ યોજનાનો ફ્લેટ ભાડે લઈને જુગારક્લબ શરૂ કરી દેતાં ડીસીબીએ ત્રાટકીને છ જુગારીને પકડી પાડ્યા હતા.

ડીસીબી પીએસઆઈ એમ.કે.મોવલિયા સહિતની ટીમે વાવડીમાં આવેલી મનસુખભાઈ છાપીયા ટાઉનશિપ નામની પ્રધાનમંત્રી આવાસ યોજનાની `એલ’ વિંગના ચોથા માળે ફ્લેટ નં.૪૦૨માં કિશોર શિવાભાઈ ટીલાળા બહારથી જુગારીઓને બોલાવીને ક્લબ ચલાવી રહ્યાની બાતમી મળતાં જ દરોડો પાડીને જયેશ ગીરધરભાઈ સોરઠિયા, જગદીશ ઉર્ફે જગાભાઈ ધીરાભાઈ કપૂરી, અજય ઉર્ફે મુન્નો બાબુભાઈ ડાવરા, ભાવેશ કરમશીભાઈ વોરા અને રેનિશ ચુનીલાલ સોરઠિયાને ૭૧૨૦૦ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.
જાણવા મળ્યા પ્રમાણે કિશોર ટીલાળાએ આ ફ્લેટ ભાડેથી મેળવ્યો હતો જે ગેરકાયદેસર કૃત્ય છે. મહાપાલિકા દ્વારા વાર-પરબે અલગ-અલગ આવાસ યોજનામાં સરપ્રાઈઝ ચેકિંગ કરીને ભાડે ચડાવેલા ફ્લેટને તાત્કાલિક સીલ કરવામાં આવે છે પરંતુ મનસુખભાઈ છાપીયા આવાસ યોજનામાં ચેકિંગ ન કર્યું હોવાને કારણે તેનો લાભ લઈ અહીં જુગારક્લબ ધમધમવા લાગી હતી. જુગારીઓ અગાઉ પણ અનેક વખત સાથે રમી ચૂક્યા હોય રજાનો દિવસ હોવાને કારણે ફરી એકઠા થયા હતા પરંતુ પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો.