Ice Age… કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડ બરફમાં ઢંકાયા
ત્રણ નેશનલ હાઈવે અને ૧૭૪ સ્ટેટ હાઈવે બંધ
અટલ ટનલ પાસે ૧૦૦૦ ગાડી ફસાઈ
680 ટ્રાન્સફોર્મર ઠપ્પ થતાં વીજળી ગુલ
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીર અત્યારે બરફથી ઢંકાયા હોય તેવી સ્થિતિ છે. ત્રણેય રાજ્યોમાં ભયંકર ઠંડી વચ્ચે બરફવર્ષા થઇ રહી છે અને જનજીવન થીજી ગયુ છે. બરફવર્ષાનો આનંદ માણવા માટે પહોંચેલા પ્રવાસીઓ હાઈ-વે ઉપર ફસાયા છે અને હજુ બે -ત્રણ દિવસ કાતિલ ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી છે. ખાસ કરીને હિમાચલમાં ભારે બરફવર્ષાને લીધે ત્રણ નેશનલ હાઈ-વે અને ૧૭૪ જેટલા સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે. અટલ ટનલની બહાર અને અંદર અંદાજે ૧૦૦૦ જેટલી કાર ફસાઈ છે અને તેમાં બેઠેલા મુસાફરો મુશ્કેલી અનુભવી રહ્યા છે. બરફ પડવાને કારણે વીજળીનાં ટ્રાન્સફોર્મર બંધ થઇ ગયા છે અને વીજળી ગુલ છે.

હિમાચલ પ્રદેશમાં 300 બસો સહિત 1000 વાહનો રસ્તા પર ફસાયા છે. અહીં સિઝનનો બીજો ભયાનક હિમપ્રપાત પડ્યો છે, જેના કારણે હિમાચલવાસીઓની સાથે ત્યાં ગયેલા અનેક પ્રવાસીઓ ફસાઈ ગયા છે. હવામાન વિભાગે ગુરુવાર સુધી બિલાસપુર, ઉના, હમીરપુર અને મંડીમાં ભીષણ ઠંડી પડવાની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
હિમાચલ પ્રદેશના રોહતાંગમાં સૌથી વધુ 30 સેમી હિમવર્ષા થઈ છે. મનાલી, કુફરી, કીલોંગ, ડેલહાઉસી અને રાજધાની શિમલામાં 10થી 15 સેમી હિમવર્ષા નોંધાઈ છે. ઉપર આવેલો શિમલાનો વિસ્તાર અને કિન્નૌર રાજધાની શિમલાથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. મનાલી રોહતાંગ નેશનલ હાઇવે પર ત્રણ રોડ બંધ થઈ ગયા છે. નારકંડા નેશનલ હાઇવે, થિયોગ-રોહરુ એનએચ અને થિયોગ-ચૌપાલ હાઇવે સહિત 174થી વધુ રસ્તાઓ વાહનો માટે બંધ કરાયા છે.
બરફથી ઢંકાયેલા પહાડોમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા આવતાં પ્રવાસીઓના ઘસારાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. હિમવર્ષા સાથે જ સ્થાનિક પર્યટન ઉદ્યોગનો ઉત્સાહ પણ ફરી જીવંત થયો છે.
ઉત્તરાખંડમાં હિમવર્ષા ઓછી છે તેમ છતાં ઔલી, ઉત્તરકાશી, ચકરાતા, બદ્રીનાથ, કેદારનાથ જેવા ઊંચાઈવાળા વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. કેદારનાથ ધામમાં આ સિઝનની બીજી હિમવર્ષા છે. જાણીતા પર્યટન સ્થળ અને સ્કી રિઝોર્ટ ઔલી પણ એક વખત ફરીથી જોરદાર બરફના ખોળામાં આવી ચૂક્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા ચાલુ છે. પીર પંજાલ અને સોનમર્ગમાં હિમવર્ષા થઈ. ઘણા અન્ય વિસ્તારોમાં પણ હવામાન વિભાગનું ઍલર્ટ છે.