ઠંડા..ઠંડા… કુલ…કુલ… રાજકોટમાં ઠંડીનો ધ્રુજારો
એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો સડસડાટ 3 ડિગ્રી સરકી ગયા, ધૂપછાંવ વચ્ચે દિવસભર ટાઢોડું
રાજકોટ : હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે જ સુસવાટા મારતા કાતિલ ઠંડા પવન ફૂંકાતા સૌરાષ્ટ્રમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે કચ્છના નલિયા બાદ સૌથી ઠંડુ સેન્ટર રાજકોટ રહ્યું છે, સામાન્ય રીતે શિયાળામાં નલિયા અને અમરેલીમાં સૌથી વધુ ઠંડી નોંધાતી હોય છે પરંતુ ચાલુ વર્ષે રાજકોટમાં ભુક્કા બોલાવે તેવી ઠંડી પડી રહી છે, સોમવારે રાજકોટમાં 12.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયા બાદ મંગળવારે લઘુતમ તાપમાનનો પારો સડસડાટ 3 ડિગ્રી સરકી જવાની સાથે ધૂપછાંવ જેવા વાતાવરણમાં રાજકોટમાં દિવસભર ઠંડીનો ધ્રુજારો અનુભવાયો હતો.

હવામાન વિભાગે આગામી તા.26થી માવઠાની આગાહી કરી છે ત્યારે મંગળવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી ઘટીને 9 ડિગ્રી થવાની સાથે મહત્તમ તાપમાન પણ ગઈકાલની તુલનાએ એક ડિગ્રી ઘટી ગયું હતું, સાથે જ મંગળવારે સવારથી 10થી 12 કિલોમીટરની ઝડપે કાતિલ ઠંડા પવન ફૂંકાતા રાજકોટ શહેરમાં તડકાની ગેરહાજરીમાં દિવસભર ઠંડી અનુભવાઈ હતી. મંગળવારે કચ્છના નલિયામાં 7.5, અમરેલીમાં 11.8 ભાવનગરમાં 13.5 દ્વારકામાં 14.5 ઓખામાં 18.2 પોરબંદરમાં 11 વેરાવળમાં 13.9 અમદાવાદમાં 12.5, ડીસામાં 12.8, ગાંધીનગરમાં 11 અને વડોદરામાં 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.