૧૨૦ મિનિટની અંદર ૬૨૦ કિલો નશા’નો જથ્થો સ્વાહા…
અઢી વર્ષની અંદર એસઓજીએ પકડેલો ગાંજો, ચરસ, અફીણ, મેફેડ્રોન સહિતના ડ્રગ્સને ભૂજના કટારિયાની
સ્પેશ્યલ ભઠ્ઠી’માં હોમી દેવાયો
રાજકોટથી ભૂજ સુધી જથ્થો પહોંચાડવા માટે ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ ઉપરાંત ૩૦થી વધુનો સ્ટાફ રહ્યો સાથે
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ, ગાંજો, ચરસ, અફિણ સહિતના નશીલા પદાર્થની હેરાફેરી વધી રહી હોય પોલીસ અને તેમાં પણ ખાસ કરીને એસઓજી દ્વારા `બાજનજર’ રાખીને એક બાદ એક ખેપને નિષ્ફળ બનાવવામાં આવી રહી છે. દરમિયાન છેલ્લા અઢી વર્ષની અંદર પોલીસના કબજામાં રહેલો ૬૨૦ કિલો જેટલો ગાંજો, ચરસ, અફીણ, મેફેડ્રોન સહિતનો નશાનો સામાન ૧૨૦ મિનિટની અંદર જ સ્વાહા કરી દેવામાં આવ્યો હતો.
રાજકોટ શહેર ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના વડા અને ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાના વડપણ હેઠળ એસીપી ક્રાઈમ બી.બી.બસીયા, એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા તેમજ એસઓજી સ્ટાફ દ્વારા ભારે કુનેહપૂર્વક નશાના આ જથ્થાને ભૂજના કટારિયા ગામે આવેલા મે.સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લિ.ની ભઠ્ઠી સુધી પહોંચાડવામાં આવ્યો હતો. રાજકોટથી ભૂજનું અંતર ઘણું લાંબુ હોય તે અંતર કાપવામાં કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૩૦થી વધુ જવાનોનો બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો.
ગુજરાતની કોઈ પણ પોલીસ ગાંજા, મેફેડ્રોન સહિતના પકડેલા ડ્રગ્સનો નાશ કરવા માંગે તો તેના માટે સરકાર દ્વારા બે કંપની નક્કી કરેલી છે જેમાં એક દહેજ અને બીજી ભૂજના જૂના કટારિયા ગામે આવેલી છે. અહીં સિવાય બીજે ક્યાંય નાશ કરી શકાતો નથી.
આ રીતે ૭૧ ગુના નોંધીને એસઓજી દ્વારા ૫૫,૯૪,૬૭૦ની કિંમતનો ૫૫૯.૪૬૭ કિલોગ્રામ ગાંજો, ૧૧૦૬૦ની કિંમતના ૧.૧૦૬ કિલોગ્રામ ગાંજાના લીલાછોડ, ૧૩,૩૭,૮૫૦ની કિંમતનું ૨૬૭.૫૭ ગ્રામ મેફેડ્રોન, ૭૦૫૦૦ની કિંમતનું ૪૭૦ ગ્રામ ચરસ, ૫૩૧૨૫ની કિંમતના ૧૭.૪૯૦ કિલોગ્રામ અફિણના લીલા છોડ, ૯,૧૬,૮૫૦ની કિંમતનું ૧૮૩.૩૭ ગ્રામ મોરફીન, ૫૩૪૩૬ની કિંમતના ૧૭.૮૧૨ કિલો પોશડોડા અને ૨,૬૩,૪૦૦ની કિંમતની ૨૬,૩૪૦ કિલો કેનાબીઝના ઘટકવાળી પડીકીઓ (તરંગ વિજયાવટી) મળી કુલ ૮૩,૦૦,૮૯૧ની કિંમતના જથ્થાનો નાશ કરાયો હતો.