આરએસએસના વડા ભાગવતે ધર્મ વિષે શું કહ્યું ? જુઓ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું છે કે ધર્મને સમજવો ખૂબ જ મુશ્કેલ છે. ધર્મના નામે થતા તમામ જુલમ અને અત્યાચાર ગેરસમજ અને ધર્મની સમજના અભાવને કારણે થયા છે. આજના જમાનામાં ધર્મનું સાચું શિક્ષણ મળે તે અનિવાર્ય છે.
મહારાષ્ટ્રના અમરાવતીમાં મહાનુભાવ આશ્રમના શતાબ્દી સમારોહમાં બોલતા ભાગવતે કહ્યું હતું કે ધર્મ મહત્વપૂર્ણ છે અને તેને યોગ્ય રીતે શીખવવો જોઈએ. ધર્મનું અયોગ્ય અને અધૂરું જ્ઞાન અધર્મ તરફ દોરી જાય છે. તેમાંથી અનેક સામાજિક સમસ્યાઓ પેદા થઈ જાય છે.
મોહન ભાગવતે 19 ડિસેમ્બરે પુણેમાં એક નિવેદનમાં પણ કહ્યું હતું કે મંદિર-મસ્જિદ વિવાદને રોજ ઉઠાવવો યોગ્ય નથી. કેટલાક લોકો એવું વિચારે છે કે આમ કરવાથી તેઓ હિન્દુઓના નેતા બની જશે. એમણે એમ કહ્યું હતું કે ધર્મ હમેશાથી અસ્તિત્વમાં રહ્યો છે અને તેના અનુસાર જ બધા કામ થતાં હોય છે માટે જ તેને સનાતન કહેવામાં આવે છે. સૃષ્ટિના આરંભથી અંતની સંહિતા ધર્મ જ છે.
એમણે વધુમાં કહ્યું હતું કે સત્ય ધર્મનો આધાર છે અને એટલા માટે જ ધર્મની રક્ષા કરવી જરૂરી છે. સંપ્રદાય ક્યારેય લડવાનું શીખવતો નથી, તે તો હમેશા સમાજને જોડવાનું કામ જ કરે છે. તે સત્ય, અહિંસા, શાંતિ અને સમાનતાની ભાવનાને જાગૃત કરે છે.
ભાગવતે કહ્યું હતું કે એટલા માટે જ કહું છું કે ધર્મનું અનુચિત અને અધૂરું જ્ઞાન અધર્મ તરફ દોરી જાય છે અને તેને કારણે સમાજમાં અનેક સમસ્યાઓ પેદા થઈ જતી હોય છે. ધર્મનું સાચું શિક્ષણ એક માત્ર ઉપાય છે.